તાપમાન વધ્યું હોવા છતાં મુંબઈગરાએ ​ચિંતા કરવાની જરૂર નથી : ૩૧ જુલાઈ સુધી ચાલે એટલો પાણીનો સ્ટૉક છે

06 May, 2025 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કહ્યું છે કે આ વર્ષે ૩૧ જુલાઈ સુધી ચાલે એટલો પાણીપુરવઠો છે એટલે પાણીકાપ લાગુ કરવાનો કોઈ ઇરાદો નથી.

પ્રતીકાત્મક તસવીર

ઉનાળો બરોબરનો જામ્યો છે અને મુંબઈગરા હાલ ગરમી અને ઉકળાટથી પરેશાન છે ત્યારે સામાન્ય રીતે મે મહિનામાં પાણીની બૂમાબૂમ ચાલતી હોય છે અને પાણીકાપ લાગુ થાય છે. આ વર્ષે મુંબઈગરાઓએ એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કહ્યું છે કે આ વર્ષે ૩૧ જુલાઈ સુધી ચાલે એટલો પાણીપુરવઠો છે એટલે પાણીકાપ લાગુ કરવાનો કોઈ ઇરાદો નથી.  

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં હાલમાં કેટલો સ્ટૉક છે અને એ કેટલો વખત ચાલશે એ જાણવા BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે એક બેઠક બોલાવી હતી જેમાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગર (પ્રોજેક્ટ) અને હાઇડ્રૉલિક એન્જિનિયર પુરુષોત્તમ માળવદે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગઈ કાલ સવાર સુધી મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ ૨૨.૬૬ ટકા પાણીનો સ્ટૉક હતો. એ ઉપરાંત BMCએ ઑલરેડી ભાત્સા ડૅમ અને અપર વૈતરણાના કન્ટિજન્સી રિઝર્વમાંથી પાણીનો ઉપાડ કરવાની મંજૂરી આ પહેલાં લઈ લીધી છે એથી હવે ૩૧ જુલાઈ સુધી પાણીનો સ્ટૉક ચાલે એમ છે. એટલે આ વર્ષે મુંબઈમાં પાણીકાપ કરવાની જરૂર નહીં પડે એમ BMCના કમિશનરે જણાવ્યું છે. જોકે એમ છતાં લોકોએ પાણી સંભાળીને વાપરવું, એનો વેડફાટ ન કરવો એવું આવાહન તેમણે મુંબઈગરાઓને કર્યું છે.

brihanmumbai municipal corporation Weather Update mumbai weather mumbai water levels Water Cut mumbai news mumbai news