ગણેશ વિસર્જન વખતે આ બિલ્ડિંગમાં બહારની વ્યક્તિઓને નો-એન્ટ્રી

29 September, 2012 06:11 AM IST  | 

ગણેશ વિસર્જન વખતે આ બિલ્ડિંગમાં બહારની વ્યક્તિઓને નો-એન્ટ્રી



ગયા વર્ષે ગણપતિ વિસર્જન વખતે લાલબાગ પાસે એક દુકાનની છત તૂટી પડવાને કારણે ટ્રૅજેડી સર્જાઈ હતી, પણ નસીબજોગે આ અકસ્માતમાં કોઈને ઈજા નહોતી થઈ. હકીકતમાં આ છાપરા પર લાલબાગચા રાજાનાં દર્શન કરવા માટે એની ક્ષમતા કરતાં વધારે લોકો ઊભા રહ્યા હતા જેને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ સંજોગોમાં આ વર્ષે હવે લાલબાગચા રાજા પાસે આવેલા મોહમ્મદી બિલ્ડિંગ ૧, ૨ અને ૩માં વિસર્જન વખતે બહારની વ્યક્તિઓને એન્ટ્રી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ મોકાના સ્થાનેથી મુંબઈના લોકપ્રિય લાલબાગચા રાજાનાં સારી રીતે દર્શન થઈ શકતાં હોવાને કારણે અહીં બહારના લોકોનો બહુ ધસારો રહે છે.

ગયા વખતે જે દુકાનનું છાપરું તૂટી પડ્યું હતું એ દુકાન મેસર્સ રાજેન્દ્રકુમાર ઍન્ડ કંપનીના માલિક રાજેન્દ્ર શાહને આ ઘટનાને કારણે દોઢ લાખ રૂપિયા કરતાં વધારે સમારકામનો ખર્ચ થયો હતો. આ સાત દસકા જૂની દુકાનમાં ભૂતકાળમાં પહેલાં ક્યારેય આવો બનાવ નથી બન્યો. પોતાના અનુભવની વાત કરતાં રાજેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘આ ઘટના બની ત્યારે મને પહેલાં તો બહુ આઘાત લાગ્યો હતો, પણ સદ્નસીબે કોઈને ખાસ ઈજા નહોતી થઈ. ગ્રાઉન્ડ પ્લસ એક માળના મોહમ્મદી બિલ્ડિંગ ૧, ૨ અને ૩માં લગભગ ૭૦ જેટલી દુકાનો છે જે જર્જરિત હાલતમાં છે. મેં આ ઘટના પછી ઇન્શ્યૉરન્સ કંપનીનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે પણ નુકસાન ભરપાઈ કરવાની ના પાડી દીધી હતી. મેં આ તૂટી પડેલું છાપરું સરખું કરાવવા દોઢ લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કર્યો હતો. આ પ્રકારનાં છાપરાં એટલાં મજબૂત નથી હોતાં અને એના પર ઊભા રહેવું ખતરનાક છે.’

ગયા વર્ષ જેવી દુર્ઘટના ન બને એ માટે લાલબાગચા રાજા ગણેશ મંડળના કાર્યકરો ગઈ કાલથી જ જાહેરાત કરીને લોકોને વિસર્જન વખતે દુકાનનાં છાપરાં પર ન ચડવાની વિનંતી કરી રહ્યા છે. આ સંજોગોમાં સાવચેતીના ભાગરૂપે મોહમ્મદી બિલ્ડિંગ ૧, ૨ અને ૩ના રહેવાસીઓએ મિડિયાની વ્યક્તિ સહિત અન્ય કોઈ બહારની વ્યક્તિઓને તેમના પરિસરમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં ૪૦ વર્ષથી અહીં ફર્સ્ટ ફ્લોર પર રહેતાં સુહાસિની જાધવે કહ્યું હતું કે અમે નથી ઇચ્છતાં કે અમારા લાલબાગચા રાજાને નેગેટિવ પબ્લિસિટી મળે અને એટલે જ ગયા વર્ષે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે અમને બહુ ખરાબ લાગ્યું હતું.’