આરેનાં ૧૭,૦૦૦ દૂધાળા ઢોર માટે ઘાસચારાની અછત

30 March, 2020 12:51 PM IST  |  Mumbai Desk | Ranjit Jadhav

આરેનાં ૧૭,૦૦૦ દૂધાળા ઢોર માટે ઘાસચારાની અછત

માત્ર એક સપ્તાહ સુધી ચાલે એટલો જ ઘાસચોરો બચ્યો છે.

મુંબઈગરાને રોજનું ૧.૨૫ લાખ લિટર દૂધ પૂરું પાડતી ગોરેગામની આરે કૉલોનીમાં વિવિધ તબેલામાં ૧૭,૦૦૦ જેટલાં દૂધાળા ઢોર છે જેમને રોજનો ૫૦ ટન ચારો જોઈતો હોય છે. કોરોનાના કારણે ટ્રાન્સ્પોર્ટ અટકી જતાં હવે એ ચારો માત્ર એક જ અઠવાડિયું ચાલે એટલો બચ્યો છે જેના કારણે એ ઢોર પર ભૂખમરાનો ભય તોળાઈ રહ્યો છે. તબેલામાલિકોએ હવે સરકારને વિનંતી કરી છે કે ગુજરાત, તેલંગણ અને કર્ણાટકમાંથી ચારાની ગાડીઓ આવવા દે, નહીં તો એ ઢોર મૃત્યુ પામશે. 

તબેલામાલિકોનું કહેવું છે કે એ ચારો મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તાર, ગુજરાત, કર્ણાટક અને તેલંગણથી આવતો હોય છે. હાલમાં લૉકડાઉનને કારણે ટ્રકો ભરાતી નથી. વળી ૧૪૪મી કલમ પણ લગાડાઈ હોવાથી મજૂરો પણ એકસાથે કામ કરી નથી શકતા. રાજ્યોની બૉર્ડર પણ હાલમાં સીલ કરાઈ છે એથી ચારો મોકલનારા પણ જોખમ નથી લઈ રહ્યા.

પાલઘર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી ચારો લઈને નીકળેલી ટ્રકને જિલ્લાની બૉર્ડર પર જ અટકાવી દેવાય છે. વસઈ પાસે આવી જ એક ટ્રકને હાઇવે પોલીસે રોકી દીધી હતી અને એના ડ્રાઇવરની પણ મારઝૂડ કરાઈ હતી.

આરે મિલ્ક કૉલોનીના મિલ્ક સપ્લાયર અસોસિએશનના કમિટી મેમ્બર ફિરોઝ શેખે આ બાબતે કહ્યું હતું કે ‘હાલમાં અમારી પાસે માત્ર ૭થી ૧૦ દિવસ સુધી ચાલે એટલો જ ચારો બચ્યો છે. અમે આપણી રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે ગુજરાત, તેલંગણ અને કર્ણાટક રાજ્યોની સરકાર સાથે સમન્વય સાધી ઢોર માટેનો ચારો લઈ જતી ટ્રકોને જીવનજરૂરિયાતની ચીજ ગણી મહારાષ્ટ્ર આવવા દેવાની પરવાનગી આપે.’

aarey colony mumbai mumbai news coronavirus covid19