દાયકાઓમાં પહેલીવાર ડર્બીને સ્પૉન્સર ન મળ્યા

31 January, 2023 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજાતી આ ઇવેન્ટ આ વખતે પાંચમી ફેબ્રુઆરીએ સાંજના સમયે યોજાશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

રેસિંગના ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ ઇન્ડિયન ડર્બીને આટલા દાયકાઓમાં પહેલી વખત કદાચ સ્પૉન્સરની ખોટ વર્તાઈ શકે છે, પણ ગ્લૅમર અને એક્સાઇટમેન્ટની ખોટ નહીં વર્તાય એવો રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ગ્લબ (આરડબ્લ્યુઆઇટીસી)એ દાવો કર્યો છે.

મેગા રેસને સ્પૉન્સર કરવા સંમતિ દર્શાવનારી અગ્રણી શરાબ ઉત્પાદક કંપની જગજિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશમાં શરાબની સ્પૉન્સરશિપ પર પ્રતિબંધ મુકાતાં તેમ જ સરોગેટ ઍડ્વર્ટાઇઝમેન્ટ સામેની તાજેતરની ઍડ્વાઇઝરીને કારણે પીછેહઠ કરવી પડી છે.

જોકે આરડબ્લ્યુઆઇટીસીના ચૅરમૅન સુરેન્દ્ર સનાસે જણાવ્યું હતું કે ‘સ્પૉન્સર હોય કે ન હોય, આપણો ઇન્ડિયન ડર્બી-ડે કાયમ કરતાં ચડિયાતો બની રહેશે અને મુંબઈના લોકો માટે એને યાદગાર બનાવવામાં અમે કોઈ કચાશ નહીં છોડીએ.’

બૉલીવુડની સેલિબ્રિટીઝની ઝલક, ગ્લૅમર, જાતવાન ઘોડા અને સ્કિલ્ડ જૉકીઝનું આકર્ષણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અકબંધ રહેશે. નવી વાત એ છે કે ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજાતી આ ઇવેન્ટ આ વખતે પાંચમી ફેબ્રુઆરીએ સાંજના સમયે યોજાશે.

આરડબ્લ્યુઆઇટીસીના માર્કેટિંગ હેડ શિવેન સુરેન્દ્રનાથે જણાવ્યું હતું કે ‘આ ઇવેન્ટમાં ફૅશન, સ્ટાઇલ, હૉર્સરેસિંગ અને બીજી ઘણી પ્રવૃત્તિઓની ઉજવણી રહેશે. આ વર્ષની ઇન્ડિયન ડર્બી યાદગાર બની રહેશે અને એમાં દરેક વ્યક્તિ આમંત્રિત છે.’

mumbai mumbai news