નથી થઈ કોઈ સાઇડ ઇફેક્ટ

02 March, 2021 09:50 AM IST  |  Mumbai | Urvi Shah-Mestry

નથી થઈ કોઈ સાઇડ ઇફેક્ટ

કોરોનાની રસી લઈ રહેલા રો​​હિત મોદી

કોરોના સામે જંગ લડવા માટે ગઈ કાલથી ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝનોને પણ વૅક્સિન આપવાની શરૂઆત થઈ છે. કાંદિવલીમાં રહેતા ૬૭ વર્ષના રોહિત મોદીએ ત્રણ મહિના પહેલાં કોરોનાને મહાત આપી હતી. તેમણે ગઈ કાલે બપોરે સાડાત્રણ વાગ્યે અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. રસી લીધા પછી તેમને કોઈ પ્રકારની તકલીફ થઈ નહોતી.

રસી લેવાથી કોઈ નુકસાન થવાનું નથી અને રસી લેવી એ આપણી ફરજ છે એમ જણાવીને રોહિત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવાર સાથે મેં અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. રસી લેવા માટે લાંબી લાઇન લાગી હતી. મારો નંબર એક કલાક પછી આવ્યો હતો. રસી લીધા પછી મને અડધો કલાક અન્ડર-ઑબ્ઝર્વેશન રાખવામાં આવ્યો હતો. એ પછી હું પાછો ઘરે ફર્યો હતો. હૉસ્પિટલની વ્યવસ્થા સારી હતી અને મને જરાય તકલીફ પડી નહોતી. કોરોનાની રસી લીધા પછી હું મારા રૂટીન કામમાં પરોવાઈ ગયો હતો. મને કોઈ જ તકલીફ થઈ નહોતી. હું લોકોને એ જ મેસેજ આપીશ કે રજિસ્ટ્રેશન કરાવીને વહેલી તકે કોરોનાની રસી વગર કોઈ ડરે લઈ લેવી જોઈએ. રસી લીધા પછી પણ પ્રશાસને બનાવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈએ. હાથ સૅનિટાઇઝ કરવા જોઈએ તેમ જ ઘરની બહાર નીકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવો જોઈએ.’

mumbai mumbai news kandivli coronavirus covid19 urvi shah-mestry