મુંબઈઃ લોકલ ચાલુ કરવાની ડિમાન્ડ મહારાષ્ટ્ર સરકારે કરી નથી

05 October, 2020 10:03 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈઃ લોકલ ચાલુ કરવાની ડિમાન્ડ મહારાષ્ટ્ર સરકારે કરી નથી

પીયૂષ ગોયલ

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવે એવી માગણી છેલ્લા થોડા સમયથી થઈ રહી છે. જોકે આ સંદર્ભે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે રેલવે મંત્રાલયને મહારાષ્ટ્ર સરકાર તરફથી મુંબઈની લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે એ માટેની કોઈ ઔપચારિક વિનંતી મળી નથી.

કેન્દ્રના કૃષિ બિલ સંદર્ભે રાજ્યની પ્રતિક્રિયા જાણવા પીયૂષ ગોયલ શનિવારે મુંબઈ આવ્યા હતા ત્યારે પત્રકાર-પરિષદમાં તેમને લોકલ ટ્રેન શરૂ કરવા બાબતે સ્પેસિફિક પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે કહ્યું હતું કે કૃષિ બિલ સંદર્ભે યોજાયેલી પરિષદમાં આ પ્રશ્ન યોગ્ય ન કહેવાય, છતાં હું કહીશ કે રાજ્ય સરકાર તરફથી અમને લોકલ ટ્રેન શરૂ કરવા માટે કોઈ ઔપચારિક વિનંતી મળી નથી.

અનલૉક-5માં રાજ્ય સરકાર દ્વારા આંતરરાજ્યની લાંબા અંતરની ટ્રેનો વધારવા અને લોકલ ટ્રેનો પણ વધારવાનું કહેવામાં આવ્યું હતું, પણ લોકલ ટ્રેનોમાં સામાન્ય લોકોને પ્રવાસ કરવા દેવાશે કે નહીં એ બાબતે અમને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. લોકલ ટ્રેનોમાં ભીડ ન થાય એ માટે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેમાં ક્રાઉડ પૅટર્ન જોઈને ટ્રેનોનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના પાલકપ્રધાન આદિત્ય ઠાકરેએ એવા સંકેત આપ્યા હતા કે 15 ઑક્ટોબરથી તેઓ લોકલ ટ્રેનમાં સામાન્ય મુંબઈગરાને પ્રવાસ કરવાની પરવાનગી આપવાનું વિચારી રહ્યા છે, પણ એ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

piyush goyal lockdown uddhav thackeray aaditya thackeray indian railways western railway mumbai news central railway rajendra aklekar