નોટબંધી પછી અઢી લાખ સુધીની ડિપોઝિટ કરાવનાર ખાતેદારોને સવાલ નહીં પુછાય

07 February, 2017 06:09 AM IST  | 

નોટબંધી પછી અઢી લાખ સુધીની ડિપોઝિટ કરાવનાર ખાતેદારોને સવાલ નહીં પુછાય



બિગ ડેટા ઍનૅલિટિક્સનો ઉપયોગ કરીને આવકવેરા વિભાગે વિવિધ પ્રકારની ડિપોઝિટ્સની તારવણી કરી છે. સંબંધિત ખાતેદારે આગલા વર્ષમાં દાખલ કરેલા રિટન્ર્સની માહિતી સાથે મેળ ન ધરાવતી હોય એવી એક કરોડ રૂપિયાથી વધુની ડિપોઝિટ્સ કાયદાકીય ચકાસણી માટે તારવવામાં આવી છે.

CBDTના અધ્યક્ષ સુશીલ ચંદ્રાએ બજેટ બાદના પરિસંવાદમાં જણાવ્યું હતું કે ‘સાચી વ્યક્તિએ ભયભીત થવાની કોઈ જરૂર નથી. સાચી વ્યક્તિને કોઈ હેરાનગતિ ન થાય એ અમે સુનિશ્ચિત કરીશું. નોટબંધી બાદ બૅન્કોમાં જમા કરાવવામાં આવેલાં નાણાંના મોટા આંકડા આવકવેરા વિભાગે એકઠા કર્યા છે. બે લાખથી ૮૦ લાખ રૂપિયા તથા ૮૦ લાખ રૂપિયા અને એથી વધારે એ રીતે અમે માહિતીની તારવણી કરી છે. વડા પ્રધાને કહ્યું હતું એમ અઢી લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ કરાવનારને કોઈ સવાલ કરવામાં આવશે નહીં એથી એવાં અકાઉન્ટ્સને અમે અત્યારે બાજુએ મૂકી દીધાં છે.’

નોટબંધી બાદ જૂની નોટો જમા કરાવવા માટેના ૫૦ દિવસના સમયગાળામાં પાંચ લાખથી વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોય એવાં અકાઉન્ટ્સ જ આવકવેરા વિભાગે ગણતરીમાં લીધાં છે.

આ સંબંધે ઉદાહરણ આપતાં સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે ‘કોઈ વ્યક્તિની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયા હોય તો તેના ખાતામાં ત્રણ લાખ રૂપિયાની ડિપોઝિટ તર્કસંગત છે. આવકવેરા વિભાગ એવા લોકોને કોઈ સવાલ નહીં કરે. કોઈ કંપનીએ એની બૅલૅન્સશીટમાં હાથ પરની રોકડ ૧૦ લાખ રૂપિયાની દર્શાવી હશે અને પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા હશે તો તેમની ચકાસણી પણ કરવામાં નહીં આવે. જો કે તમે પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા હશે અને છેલ્લાં ત્રણ વર્ષમાં રિટર્ન ફાઇલ નહીં કર્યું હોય તો એની ચકાસણી જરૂર થશે. એવી જ રીતે તમે અઢી લાખની આવક દર્શાવતું રિટર્ન ફાઇલ કર્યું હશે અને વિવિધ અકાઉન્ટ્સમાં ૧૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હશે તો એ બાબતે સવાલ કરવામાં આવશે. ડિપોઝિટ્સ અને રિટર્ન વચ્ચે મોટી અસંગતતા જોવા મળશે એવા કિસ્સામાં જ પગલાં લેવામાં આવશે. કોઈએ એક કરોડ રૂપિયાથી વધારે જમા કરાવ્યા હશે અને ફાઇલ કરવામાં આવેલા રિટર્ન સાથે એનો માથામેળ નહીં હોય તો એ વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવાની વાત સાથે તમામ પ્રામાણિક કરદાતાઓ જરૂર સહમત થશે.’