અંધેરીચા રાજાના પંડાલમાં નો પ્લાસ્ટિક બૅગ

23 August, 2012 06:18 PM IST  | 

અંધેરીચા રાજાના પંડાલમાં નો પ્લાસ્ટિક બૅગ

પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગણપતિના મંડપમાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક નહીં વાપરવાનું અને ગુટકા બનાવતી કંપનીઓની કોઈ પણ પ્રકારની જાહેરાત ન લેવાનું સમિતિએ નક્કી કર્યું છે. અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર આવેલી આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના અંધેરીચા રાજા તરીકે ઓળખાતા ગણપતિનાં દર્શન માટે ભક્તોએ અમુક નિયમોનું પાલન કરવું પડશે. આ સમિતિના એક કાર્યકરે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમુક નિયમો બનાવ્યા છે જે ભક્તોને દર્શન કરતી વખતે લાગુ પડશે. હમણાં-હમણાં સમાજમાં પ્લાસ્ટિક નહીં વાપરવાની ઝુંબેશ ચાલી રહી છે, પણ પ્લાસ્ટિક આપણા જીવનનો એક ભાગ બની ગયું હોવાથી એને આપણા જીવનમાંથી કાઢવું બધા માટે મશ્કેલ બની રહ્યું છે, પણ આપણે જો કોશિશ કરીએ તો કદાચ એના પર પ્રતિબંધ પણ મૂકી શકીએ છે. એટલે આ વખતે અમારી સમિતિએ પ્લાસ્ટિક નહીં વાપરવાના નિયમ પર વધારે ભાર મૂક્યો છે. સાથે જેનો નશો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે એવા ગુટકા પર પણ પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે. અમારે ત્યાં કોઈ પણ ગુટકા કંપનીનાં બૅનરો કે એની સ્પૉન્સરશિપ લેવામાં નહીં આવે. આવું કરવાથી કદાચ આજનું જનરેશન અમને સાથ આપશે એવી અમારી ઉમીદ છે.’

સાર્વજનિક ઉત્સવ સમિતિના ચૅરમૅન કેશવ તોન્ડવલકરે આ વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ નિયમો સાથે અમે હજી એક નિયમ બનાવ્યો છે જેમાં ટૂંકાં કપડાં પહેરીને આવેલા ભક્તોને દર્શન કરવા નહીં મળે. આ નિયમ અમે ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને અને ભગવાનની પવિત્રતા જળવાઈ રહે એ આશાથી બનાવ્યો છે. ૧૩ વર્ષથી ઉપરનાં છોકરા-છોકરીઓએ કમ્પલ્સરી આ નિયમોનું પાલન કરવું પડશે. હાફ પૅન્ટ, શૉર્ટ, સ્કર્ટ, જીન્સ, શૉર્ટ ટી-શર્ટ જેવાં વલ્ગર દેખાતાં કપડાં પહેરીને આવેલા ભક્તોને દર્શન કરવા નહીં મળે. પોતાના શરીરનું પ્રદર્શન થાય એવાં કપડાં ભગવાનની સામે નહીં પહેરવાનાં એવું અમે જાહેર કર્યું છે. એને બદલે ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે તો વાતાવરણ પવિત્ર રહેશે એવું અમારું માનવું છે. જો આપણે જ નવા નિયમો બનાવીએ અને એ આજના જનરેશનને કંઈ શીખવે તો અમે ગર્વ અનુભવીએ.’