એક બાજુ નો પાર્કિંગનું બોર્ડ અને બીજી બાજુ પે ઍન્ડ પાર્ક

08 October, 2014 05:21 AM IST  | 

એક બાજુ નો પાર્કિંગનું બોર્ડ અને બીજી બાજુ પે ઍન્ડ પાર્ક


ઘાટકોપર-ઈસ્ટના સ્ટેશન પાસે આવેલી ખોખાણી લેનના રહેવાસીઓની અનેક ફરિયાદો અને આંદોલન પછી સુધરાઈએ આ વિસ્તારમાં ત્રિવેદી બિલ્ડિંગની બહાર ‘નો પાર્કિંગ’નું બોર્ડ તો મૂક્યું, પણ એ જ જગ્યા પર ‘પે ઍન્ડ પાર્ક’ પદ્ધતિથી વાહનોને પાર્કિંગ કરવા દેવાની કૉન્ટ્રૅક્ટરને છૂટ આપી હતી. સુધરાઈની આ બેવડી નીતિથી સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ ફેલાયો છે.

ખોખાણી લેનના રહેવાસીઓ  આ વિસ્તારમાં થતા ટૂ-વ્હીલર્સના પાર્કિંગ અને એ વાહનો પર દિવસભર ચાલતી ઑફિસોથી ત્રસ્ત થઈ ગયા છે એટલું જ નહીં, આ વાહનો પર બેસીને લેભાગુઓ આ વિસ્તારમાં અસામાજિકતા ફેલાવી રહ્યા હોવાનો તેઓ સતત આક્ષેપ પણ કરી રહ્યા છે. આ બાબતમાં તેમણે સુધરાઈ અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે. એ સંદર્ભના સમાચાર મિડ-ડે LOCALમાં અવારનવાર પ્રસિદ્ધ થયા પછી એના પર ટેમ્પરરી પગલાં પણ લેવાયાં છે.

આ માહિતી આપતાં આ વિસ્તારના રહેવાસી જયેશ ત્રિવેદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી ફરિયાદો પછી રાજનેતાઓએ આ વિસ્તારની મુલાકાતો લીધી છે, પણ આ સમસ્યાનો અંત આવતો જ નથી. સુધરાઈએ ૨૩ સપ્ટેમ્બરે ‘નો પાર્કિંગ’નું બોર્ડ મૂકતાં અમે હરખાઈ ગયા હતા, પણ અમારી ખુશી પળભરની હતી. સુધરાઈએ જ આ જગ્યા પર ‘પે ઍન્ડ પાર્ક’ પદ્ધતિથી વાહનોને પાર્કિંગ કરવા દેવાની કૉન્ટ્રૅક્ટરને છૂટ આપી હતી. આનાથી અમારી સમસ્યા એમની એમ જ રહી હતી.’