નો નાઇટ કરફ્યુ

05 January, 2021 08:27 AM IST  |  Mumbai | Prajakta Kasale

નો નાઇટ કરફ્યુ

નવા વર્ષની રાત્રે જુહુ બીચ ખાલી કરાવતી પોલીસની ફાઈલ તસવીર

બીએમસી પાંચમી જાન્યુઆરી બાદ રાત્રિ-કરફ્યુને ન લંબાવવાની વિચારણા કરી રહ્યું હોવાથી મુંબઈવાસીઓને થોડા અંશે રાહતનો અનુભવ થશે. આ નિર્ણય મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં સોમવારે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ ઉપરાંત બીએમસી રસીકરણ-કેન્દ્રોની સંખ્યા વધારવાની અને રોજના ૫૦,૦૦૦ લોકોને રસી મૂકવાની યોજના પણ ધરાવે છે. જોકે પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રસી મળશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા પ્રવર્તતી નથી.

બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે નવા કેસની સંખ્યા અને મૃત્યુઆંક ઘટતાં નાઇટ-કરફ્યુ ન લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય એક પગલામાં બીએમસી રસીકરણ-કેન્દ્રોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે. શરૂઆતમાં બીએમસીએ ચાર મેડિકલ કૉલેજ અને ચાર પાલિકાની હદમાં આવતી હૉસ્પિટલો સહિતની આઠ હૉસ્પિટલ તૈયાર કરી હતી અને આઠ કેન્દ્રો તૈયાર રખાયાં હતાં. હવે એ રસીકરણનો કાર્યક્રમ ૭૫ કેન્દ્રો સુધી વિસ્તારવા માગે છે.

બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘અત્યારે અમે રોજના ૧૨,૦૦૦ લોકોને રસી મૂકી શકીએ એમ છીએ. આ કેન્દ્રો સજ્જ થઈ જાય ત્યાર બાદ ક્ષમતા વધારીને દૈનિક ૫૦,૦૦૦ રસીની કરાશે. રસીના આગમન અગાઉ કેન્દ્રો બે-ત્રણ દિવસમાં સજ્જ થઈ જશે.’

આશરે ૧.૨૫ લાખ હેલ્થકૅર વર્કર્સ છે, જેમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલોના સ્ટાફનો પણ સમાવેશ છે. ક્ષમતા વધારવાથી અમને બે-ત્રણ દિવસમાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં મદદ મળશે, એમ કાકાણીએ ઉમેર્યું હતું.

જોકે પ્રથમ તબક્કામાં તેઓ કેન્દ્ર પાસેથી કેટલી સંખ્યામાં રસી મેળવશે એ વિશે તેઓ સ્પષ્ટ નથી, પરંતુ સપ્તાહની અંદર રસી પૂરી પાડવામાં આવે એવી તેમને અપેક્ષા છે. બીજા તબક્કામાં પોલીસ અધિકારીઓ અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝનને રસી મૂકવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale