હવે પ્રાઇવેટ વાહનોમાં ફરો માસ્ક વગર

18 January, 2021 10:29 AM IST  |  Mumbai | Prajakta Kasale

હવે પ્રાઇવેટ વાહનોમાં ફરો માસ્ક વગર

હેલ્થ મિનિસ્ટ્રીએ દિલ્હી હાઈ કોર્ટને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે પ્રાઇવેટ વાહનની અંદર માસ્ક પહેરવાનો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. (ફાઇલ-ફોટો)

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરતા લોકોએ જો મોઢા પર માસ્ક પહેર્યો નહીં હોય તો તેમની પાસેથી દંડ ન વસૂલવાની સૂચના કર્મચારીઓને આપી છે. આ વિષયમાં સોશ્યલ મીડિયા પર ભારે ઊહાપોહ થયો હતો અને તાજેતરમાં દિલ્હી વડી અદાલતમાં કેન્દ્ર સરકારે કરેલી સ્પષ્ટતાને પગલે મહાપાલિકાના કમિશનરે ઉપરોક્ત સૂચના આપી હતી. દિલ્હી વડી અદાલતમાં અરજી કરીને એક વકીલે જણાવ્યું હતું કે તેઓ પોતાની કારમાં એકલા હતા ત્યારે માસ્ક ન પહેરવા બદલ મને ચાલાન આપ્યું એ પગલું અયોગ્ય હતું. એ અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વાહનમાં એકલા પ્રવાસ કરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સૂચના આપવામાં આવી નથી.

પાલિકાના ક્લીન-અપ માર્શલ તેમ જ પોલીસ હવે રિક્ષા, ટ્રક, બસ, ટેમ્પો, ટૅક્સી (ઓલા-ઉબર સહિત)માં પ્રવાસ કરતા લોકોએ મોઢે માસ્ક ન પહેર્યો હોય તો તેમની પાસેથી ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરવાનું ચાલુ રાખશે. મુંબઈ મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાની જોગવાઈમાં ફેરફાર વિશે અમને કોઈ લેખિત પરિપત્ર મળ્યો નથી, પરંતુ એ બાબતે વરિષ્ઠ અધિકારી તરફથી પ્રાઇવેટ કારના પૅસેન્જરે માસ્ક ન પહેર્યો હોય તો તેમની પાસેથી દંડ ન લેવાનો સંદેશ મળ્યો છે.’

મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરનાર ૧૧.૧૮ લાખ લોકો પાસેથી ૨૨.૭૨ કરોડ રૂપિયા દંડરૂપે વસૂલ કર્યા હતા. એમાંથી ૧૬.૦૨ કરોડ રૂપિયાનો દંડ ૨૦૨૦ની ૧૫ નવેમ્બરથી ૨૦૨૧ની ૧૫ જાન્યુઆરીના બે મહિનામાં વસૂલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૦ની ૯ એપ્રિલથી ૧૪ નવેમ્બર વચ્ચે ૩.૧૭ લાખ લોકો પાસેથી ૬.૭૦ કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale