ફ્લૅટ ટ્રાન્સફર કરવા એનઓસી જરૂરી નથી એવી સરકારની યોજનાથી બિલ્ડરો નાખુશ

05 October, 2012 04:56 AM IST  | 

ફ્લૅટ ટ્રાન્સફર કરવા એનઓસી જરૂરી નથી એવી સરકારની યોજનાથી બિલ્ડરો નાખુશ



વરુણ સિંહ

મુંબઈ, તા. ૫

ફ્લૅટધારકો પોતાની પ્રૉપર્ટીના વેચાણ કે ટ્રાન્સફર માટે બિલ્ડર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લેવું ફરજિયાત નથી એવી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરેલી જાહેરાત લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર સમાન હતી, પરંતુ આ નિર્ણયને કારણે બિલ્ડરો નાખુશ છે. જાણવા મળ્યાં પ્રમાણે બિલ્ડરોને એવો ડર છે કે ફ્લૅટધારક વર્તમાન બજારભાવ કરતાં ઓછી કિંમતે પોતાનો ફ્લૅટ વેચી શકે. એમ થવાને કારણે બિલ્ડરો ખરીદદાર પાસે મનમાની કરાવી નહીં શકે. ફ્લૅટ લીધા પછી સોસાયટી ન બની હોય તો જગ્યા વેચવા માટે ફ્લૅટમાલિકે બિલ્ડર પાસેથી એનઓસી લેવું પડે છે.

પોતાનું નામ ન જણાવાની શરતે શહેરના એક બિલ્ડરે કહ્યું હતું કે ‘ધારો કે ખરીદદારને હું એક ફ્લૅટ સ્ક્વેરફૂટદીઠ ૧૦,૦૦૦ રૂપિયાના ભાવે વેચું છું. એક વર્ષ પછી એની બજારકિંમત વધીને સ્ક્વેરફૂટદીઠ ૧૫,૦૦૦ રૂપિયા થઈ હોય અને જો એનો માલિક એને ૧૫,૦૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમતે વેચવાનું નક્કી કરી તો? આમ થવાથી મારા વેચાણ પર અસર થાય. વળી આવા સંજોગોમાં સૌથી પહેલાં ઇન્વેસ્ટરો જ મને ખોટ કરાવે.’

નવી મુંબઈસ્થિત ડેવલપર

તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (એમસીએચઆઇ)ના સભ્ય મનોહર શ્રોફે કહ્યું હતું કે ‘આમ થવાથી કોની સાથે ધંધો કરવો એનો અધિકાર બિલ્ડર પાસેથી ખૂંચવી લેવામાં આવ્યો એમ કહી શકાય. અમે બાંધેલા બિલ્ડિંગમાં કોણ રહી શકે એ નક્કી કરવાનો અમુક અધિકાર અમને હોવો જોઈએ. જો કોઈ સેલર અમારી પ્રૉપર્ટી કોઈક અસામાજિક તત્વોને વેચી દે એવા સંજોગોમાં કોણ જવાબદાર હશે? તેથી પ્રૉપર્ટીની ટ્રાન્સફરમાં બિલ્ડરનું એનઓસી હોવું જ જોઈએ. આ વિશે અમે મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત પણ કરવાના છીએ.’

પોતાનું નામ ન જણાવાની શરતે અન્ય એક બિલ્ડરે કહ્યું હતું કે ‘અમે ખરીદદારને અમારા તરફથી જે વિશેષ ઑફર આપીએ છીએ એ પણ અમારી પાસેથી લઈ લેવામાં આવશે. કેટલાક બિલ્ડરો અમુક ખાસ કમ્યુનિટી માટે ફ્લૅટ બનાવતા હોય છે. જો કોઈ ફ્લૅટધારક પોતાનો ફ્લૅટ કોઈ નૉન-વેજિટેરિયનને વેચી દે અને સોસાયટીના અન્ય સભ્યો જો વેજિટેરિયન હોય તો આવી બાબતોની કાળજી કોણ લેશે? મુંબઈમાં આવાં ઘણાં બિલ્ડિંગો અસ્તિત્વમાં છે.’

બિલ્ડરો શા માટે એનઓસી માટે દબાણ કરતા હોય છે એ વિશે રિયલ્ટી એક્સપર્ટ અજય ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘બજારમાં ઇન્વેસ્ટરને પોતાનો ફ્લૅટ વેચતો રોકવા માટે આ કાયદો હતો, પરંતુ બિલ્ડરો આ કાયદાની આડમાં ખરીદદાર પાસેથી રૂપિયા પડાવવા લાગ્યા. હવે જોકે આ ગેરકાયદે પ્રક્રિયાનો અંત લાવવામાં આવ્યો છે એટલે ઇન્વેસ્ટરો પોતે ઇચ્છે એ ભાવે ફ્લૅટ વેચી શકે છે. આમ થવાથી રાજ્યમાં પ્રૉપર્ટીની કિંમતમાં એની અસર પડી શકે છે.’

એનઓસી લેવું માથાના દુખાવા જેવું કામ

એનઓસીના બદલામાં બિલ્ડરો જગ્યા ખરીદનાર પાસેથી રૂપિયા પડાવતા હોવાના સંદર્ભમાં સરકાર પાસે તમામ માહિતીઓ પહોંચી હતી. સ્ટેટ હાઉસિંગ મિનિસ્ટર સચિન આહિરે કહ્યું હતું કે ‘ફ્લૅટમાલિક માટે બિલ્ડર પાસેથી એનઓસી લેવું માથાના દુખાવા જેવું કામ હતું. મનફાવે એટલા રૂપિયા ડેવલપર માગતો હતો. આ સુધારાથી ખરીદદાર પોતે ઇચ્છે એ પ્રમાણે વર્તવા સ્વતંત્ર છે. બિલ્ડરનો કોઈ અંકુશ તેના પર નહીં રહે.’