અભિનેતા અને પ્રોડ્યુસર સચિન જોશી સામે મની લૉન્ડરિંગનો કેસ બનતો જ નથી : પીએમએલએ અદાલત

09 March, 2022 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીંની સ્પેશ્યલ કોર્ટે નોંધ્યું હતું કે શહેરની ઓમકાર રિયલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સ ફર્મ સામેના મની લૉન્ડરિંગ કેસમાં અભિનેતા-પ્રોડ્યુસર સચિન જોશીની સીધી કે આડકતરી સંડોવણી નથી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ  (પી.ટી.આઇ.) : અહીંની સ્પેશ્યલ કોર્ટે નોંધ્યું હતું કે શહેરની ઓમકાર રિયલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સ ફર્મ સામેના મની લૉન્ડરિંગ કેસમાં અભિનેતા-પ્રોડ્યુસર સચિન જોશીની સીધી કે આડકતરી સંડોવણી નથી.
સ્પેશ્યલ પીએમએલએ જજ એમ. જી. દેશપાંડેએ સોમવારે સચિનના જામીન મંજૂર કર્યા હતા. ઈડીએ ઉપરોક્ત કેસમાં ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ સચિનની ધરપકડ કરી હતી. ૩૭ વર્ષનો અભિનેતા હાલ સુપ્રીમ કોર્ટે તબીબી મેડિકલ કારણોસર મંજૂર કરેલા વચગાળાના જામીન પર બહાર છે. અદાલતે આદેશમાં નોંધ્યું હતું કે આરોપી સામે મની લૉન્ડરિંગનો કેસ બનતો હોય એમ જણાતું નથી.
ઉલ્લેખનીય છે કે સચિન જોશી જેએમજે ગ્રુપના પ્રમોટર અને બિઝનેસમૅન જે. એમ. જોશીનો પુત્ર છે જે ગુટકા અને પાનમાસાલાના ઉત્પાદન અને હૉસ્પિટૅલિટીના વ્યવસાયમાં કાર્યરત છે. સચિને ‘જૅકપોટ’ સહિત કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
સચિન ઉપરાંત ઓમકાર રિયલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સના ચૅરમૅન કમલ કિશોર ગુપ્તા અને ફર્મના મૅનેજિંગ ડિરેક્ટર બાબુલાલ વર્મા પણ આ કેસના આરોપી છે. બન્ને આરોપીઓ હાલ જુડિશ્યલ કસ્ટડીમાં છે.

mumbai news