ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં લોડશેડિંગનો અંત : પૃથ્વીરાજ ચવાણ

12 November, 2012 03:27 AM IST  | 

ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં લોડશેડિંગનો અંત : પૃથ્વીરાજ ચવાણ

તેમના નિવાસસ્થાન વર્ષામાં તેમણે આ બાબતે કહ્યું હતું કે ‘મુશ્કેલીઓ તો છે જ. કોલસાની પણ અછત છે. કોલસાના ભાવ ઇન્ટરનૅશનલ માર્કે‍ટમાં ત્રણગણા વધી ગયા છે અને જે કોલસો મળે છે એ પણ પૂર આવવાને કારણે ભીનો હોય છે. યુપીએ સરકાર સત્તા પર આવી ત્યારે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે‍ ૧૪,૦૦૦ મેગાવૉટનો દાભોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો, પણ એ માટે પૂરતા પ્રમાણમાં ગૅસ મળતો ન હોવાથી એની ફુલ કૅપેસિટીમાં હજી ચાલતો નથી. પેન્ડિંગ પાવર પ્રોજેક્ટ્સને પૂરા કરવામાં આવશે અને એમ છતાં જો તૂટ પડશે તો બહારથી ઇલેક્ટ્રિસિટી લઈશું. જો લોકો એ માટે વધુ રૂપિયા ચૂકવવા તૈયાર હોય તો અન્ય રાજ્યો પાસેથી લીધેલી જોઈએ એટલી ઇલેક્ટ્રિસિટી ૨૪ કલાક સપ્લાય કરી શકાશે, પણ એ માટે રેટ વધારવા પડશે.’

આ પહેલાં અજિત પવાર રાજ્યના ઊર્જાપ્રધાન હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યમાંથી લોડશેડિંગની સમસ્યાનો અંત લાવવામાં આવશે.   

કૉન્ગ્રેસ-એનસીપીનું ગઠબંધન ૨૦૧૪માં પણ રહેશે

રાજ્યના મુખ્ય પ્રધાનપદે બે વર્ષ પૂરાં કરનાર પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૧૪માં રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મળીને જ લડશે અને તેમની વચ્ચેનું ગઠબંધન ચાલુ જ રહેશે. અમારી વચ્ચે હવે કોઈ કડવાશ નથી. જોકે થોડો ઘણો ખટરાગ લોકલ બૉડીની ચૂંટણી વખતે ઊભો થયો હતો, પરંતુ હવે એવું કશું નથી. અમારે સાથે મળીને રાજ્યમાં અને દિલ્હીમાં કામ કરવાનું છે. અમે હવે આવનારી ૨૦૧૪ની વિધાનસભાની અને ત્યાર બાદની લોકસભાની ચૂંટણી પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બન્ને ચૂંટણીઓ અમે સાથે મળીને જ લડીશું.’