ફાઇનલી દિવાળીમાં મુલુંડવાસીઓને લોડશેડિંગના ત્રાસમાંથી સંપૂર્ણ મુક્તિ

25 October, 2011 07:26 PM IST  | 

ફાઇનલી દિવાળીમાં મુલુંડવાસીઓને લોડશેડિંગના ત્રાસમાંથી સંપૂર્ણ મુક્તિ

 

(સપના દેસાઇ)

મિડ-ડે Local દ્વારા ગયા અઠવાડિયે જ ‘દિવાળીમાં લોડશેડિંગ નહીં થાય...’ એવો અહેવાલ આપવામાં આવ્યો હતો અને હવે મહારાષ્ટ્ર રાજય વીજ વિતરણ કંપની (મહાવિતરણ)એ મુલુંડમાં દિવાળીના દિવસોમાં બિલકુલ લોડશેડિંગ નહીં થાય એવી ખાતરી આપી છે. સમગ્ર મુંબઈ શહેર લોડશેડિંગનો સામનો કરતું હોવાથી નારાજ થયેલા મુલુંડના નાગરિકોને ફાઇનલી રોજના લગભગ સવાત્રણ કલાકના લાદવામાં આવેલા વીજકાપમાંથી છુટકારો મળી ગયો

છે. મુલુંડના લોડશેડિંગને દિવાળીના સમયમાં જ દૂર કરવામાં આવ્યો હોવાને પૃષ્ટિ આપતાં મહાવિતરણના મુલુંડ ઝોનના એક્ઝિકયુટિવ એન્જિનિયર એસ. નર્મિલેએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમે દિવાળી દરમ્યાન મુલુંડવાસીઓને માથેથી લોડશેડિંગ હટાવી દઈશુ એવું પ્રૉમિસ આપ્યું હતું; એ મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી મુલુંડમાં પ્રાયોગિક ધોરણે લોડશેડિંગ બંધ રાખવામાં આવ્યું હતું અને અત્યારે મળેલાં પરિણામોને આધારે દિવાળીના દિવસોમાં પણ લોડશેડિંગ કર્યા વગર મૅનેજ કરી શકાશે એવી ખાતરી અમને થઈ ગઈ છે. ઉપરાંત દિવાળીના સમયમાં ઔદ્યોગિક વસાહતો બંધ રહેતી હોય છે અને એમનો વીજવપરાશ ઓછો થયો હોવાથી દિવાળીના દિવસોમાં લોડશેડિંગ દૂર કરવામાં મદદ મળી છે.’

દેશમાં કોલસાની સર્જાયેલી અદ્ભુત કટોકટીને પગલે ઠેર-ઠેર વીજળીના ધાંધિયા ચાલી રહ્યા છે ત્યારે મુલુંડ વિસ્તાર ઝીરો લોડશેડિંગની ‘એ’ કૅટેગરીમાં આવતો હોવા છતાં ગયા મહિને અહીં વીજકાપ મુકાતાં મુલુંડવાસીઓ કંટાળી ગયા હતા, પરંતુ હવે તેમને લોડશેડિંગમાંથી મુકિત તો મળી છે એવુ બોલતાં મહાવિતરણના મુલુંડ ઝોનના એસ. નર્મિલેએ કહ્યું હતું કે લોડશેડિંગ સત્તાવાર રીતે દૂર કરાયો છે, પણ દિવાળીમાં વીજળીનાં ઉપકરણોનું મેઇનટેનન્સનું કામ હાથ ધરાતું હોવાથી કયારેક કયાંક અડધો-પોણો કલાક જેટલો વીજપુરવઠો ખોરવાઈ શકે છે એટલે લોકોએ ઉશ્કેરાવું નહીં.

ઈમાનદારીનું ઈનામ

સૌથી ઓછી વીજ-ચોરી અને લીકેજ મુલુંડમાં થાય છે. અહીં લગભગ ચાર ટકા જેટલું જ વીજ-લીકેજ અને ચોરી થતાં હોવાને પગલે ૨૦૦૮માં ઝીરો લોડશેડિંગ પૅટર્નને હિસાબે એનો ‘એ’ કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુલુંડવાસીઓની આ ઈમાનદારીનું ઇનામ મહાવિતરણે લોડશેડિંગ દૂર કરીને આપ્યું છે, જ્યારે ‘એ’ કૅટેગરીનાં નવી મુંબઈ જેવાં શહેરોમાં હજી લોડશેડિંગ ચાલુ છે.