નો હોમ, નો વોટ

08 February, 2021 08:38 AM IST  |  Mumbai | Rohit Parikh

નો હોમ, નો વોટ

ગઈ કાલે ઘાટકોપરના નેવી ડેપોની સામે નેવીના કાયદાની વિરુદ્ધમાં ધરણાં કરી રહેલા ઘાટકોપરના અસરગ્રસ્ત લોકો

એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિત શાહ એવો દાવો કરે છે કે દેશના દરેકેદરેક નાગરિકને ૧૫ ઑગસ્ટ, ૨૦૨૨ સુધીમાં પોતાનું ઘર મળશે, જ્યારે બીજી બાજુ નેવી ડેપોના ૫૦૦ મીટરના અંતરમાં ઘર નહીં બાંધવાનાં એવા કાયદાથી અમે બેઘર થઈ ગયા છીએ એની કોઈને ચિંતા પણ નથી એમ જણાવીને નેવીના કાયદાની આકરી ટીકા કરતાં ગઈ કાલે સવારે ત્રણ કલાક સુધી ‘નો હોમ, નો વોટ’ના નારા સાથે ઘાટકોપરના ૭૦૦થી વધુ અસરગ્રસ્ત રહેવાસીઓએ ઘાટકોપર (વેસ્ટ)ના નેવી ડેપોની સામે એક ખાલી કમ્પાઉન્ડમાં શાંતિપૂર્વક ધરણાં કર્યાં હતાં. આ ધરણાંમાં સૌથી વધારે સિનિયર સિટિઝનો હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક વાર પાલનહાર જેવી સરકાર પરથી ભરોસો ઊઠી જાય પછી સૌના તારણહાર પ્રભુ પર પણ વિશ્વાસ રહેતો નથી.

ઇન્ડિયન નેવી દ્વારા ૨૦૧૪માં જાહેર કરવામાં આવેલા નેવી ડેપોના ૫૦૦ મીટરના અંતરમાં બાંધકામ પર નિયંત્રણ મૂકતા એક કાયદાને કારણે ઘાટકોપર-વેસ્ટના નારાયણનગર, કામા લેન તથા ઈસ્ટના રાજાવાડી વિસ્તારમાં ૩૫૦ પ્રોજેક્ટો અટવાઈ ગયા છે. એને કારણે હજારો લોકો તેમનાં ઘર હોવા છતાં છેલ્લાં સાત વર્ષથી બેઘર બની ગયા છે. એટલું જ નહીં, બીજા હજારો લોકોને મુંબઈ મહાનગરપાલિકા તેમનાં મકાનો અત્યંત જોખમી હાલતમાં છે એમ કહીને એ ખાલી કરાવી રહી છે. આ લોકો પણ નેવીના કાયદાને કારણે તેમની ઇમારતો રીડેલપ કરવા માટે અસમર્થ બની ગયા છે એટલે તેઓ પણ બેઘર બનવાના આરે છે અને તેમના માથે લટકતી તલવાર છે.

જોકે આ બધા જ અસરગ્રસ્તો પાસે પુનર્વસન માટે કોઈ જ માર્ગ નથી. તેમને સરકાર કે કોઈ રાજનેતાઓ તરફથી આ સંજોગોમાં કોઈ સહાય પણ મળતી નથી. આથી જ ગઈ કાલે ધરણાંમાં હાજર રહેલા રહેવાસીઓએ કેન્દ્ર સરકારને આડે હાથ લઈને એની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રહેવાસીઓને સૌથી વધુ ઝટકો તો એ લાગ્યો હતો કે તેમના આંદોલનમાં આશ્વાસન આપવા માટે એક પણ પક્ષના રાજનેતાઓ હાજર રહ્યા નહોતા.

આ બાબતની માહિતી આપતાં ગઈ કાલનાં ધરણાંમાં હાજર રહેલા નારાયણનગરની વિક્રમ સોસાયટીના રહેવાસી વિનોદ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીનું બાંધકામ સાત વર્ષથી નેવીના કાયદાને કારણે અટકી ગયું છે. એક બાજુ નરેન્દ્ર મોદીનું સપનું છે કે ૨૦૨૨ સુધીમાં દરેકનું પોતાનું ઘર હોય, પરંતુ અત્યારે ૨૦૨૧માં અમારાં ઘર હોવા છતાં અમે બેઘર બની ગયા છીએ. આ તે કેવો ન્યાય છે? અમે આ માટે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો જેની સામે અમને કહેવામાં આવ્યું કે તમે નેવી સાથે આ બાબતમાં વાતચીત કરો. ત્યાર પછી અમને નેવી તરફથી એમ કહેવામાં આવ્યું કે અમને સરકાર તરફથી ગાઇડલાઇન મળશે એ પ્રમાણે અમે આગળ વધીશું. અમે આ બાબતમાં ૨૦૧૪થી દેશના ડિફેન્સ મિનિસ્ટરો તથા અમારા મુંબઈના સંસદસભ્યો કિરીટ સોમૈયા, ગોપાલ શેટ્ટી અને મનોજ કોટકનો પણ અપ્રોચ કરીએ છીએ.’

આ બાબતમાં વધુ જણાવતાં વિનોદ ભાનુશાલીએ કહ્યું હતું કે ‘અમારા પુનર્વસનના મુદ્દે ૨૦૧૯માં સંસદમાં પણ જોરદાર ચર્ચા કરવામાં આવી હતી. અમને અમારા સંસદસભ્યો પણ સતત આશ્વાસન આપી રહ્યા છે. તાજેતરમાં જ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે પણ ગોપાલ શેટ્ટીને લખેલા પત્રમાં અમે આ મુદ્દે ગાઇડલાઇન્સ પર વિચારણા કરી રહ્યા છીએ એમ જણાવવામાં આવ્યું છે. તેમણે તેમના પત્રમાં જણાવ્યું છે કે અમે સ્ટેકહોલ્ડરો સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે આજ સુધી કેન્દ્ર સરકારે અમારી સાથે કે અમારા ડેવલપરો સાથે ક્યારેય આ બાબતની ચર્ચા કરી નથી કે અમને આ બાબતની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા નથી. આ પહેલાં નિર્મલા સીતારમણે પણ એક પત્રમાં આવી જ વાતો કરી હતી. આજે બે વર્ષથી આવી વાતો કહેવામાં આવે છે, પણ એનો ફાઇનલ નિર્ણય ક્યારે આવશે એનો કોઈ પાસે જવાબ નથી. હવે તો અમારો એક જ નિર્ણય છે : અભી નહીં તો કભી નહીં. નો હોમ, નો વોટ.’

આ વાતને દોહરાવતાં વિદ્યાવિહાર (વેસ્ટ)ના ખલઈ વિલેજના રહેવાસી હરિશ્ચંદ્ર ચિલેએ ‘મિડ-ડે’એ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે આ બાબતમાં વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાની જરૂર છે. નેવીના કાયદામાં જે જરૂરી પરિવર્તન કરવાં હોય એ કરીને સરકારે અમારા જેવા ૩૫૦ પ્રોજેક્ટોના રહેવાસીઓને બેઘર બનતા ઉગારવા જોઈએ.’

આ સંદર્ભે નૉર્થ મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે, મારા વિસ્તારના રહેવાસીઓ સાથે આ મુદ્દો સંકળાયેલો ન હોવાથી આ સંદર્ભની લડાઈમાં હવે હું સ્લો થઈ ગયો છું. આ બાબતમાં હવે તમે મનોજ કોટકનો સંપર્ક કરો.

નેવી ડેપોના ૫૦૦ મીટરના અંતરમાં બાંધકામ પર નિયંત્રણ મૂકતા કાયદાને કારણે ઘાટકોપર-વેસ્ટમાં 350 પ્રોજેક્ટ અટવાઈ ગયા છે.

mumbai mumbai news ghatkopar