કાંદિવલી-ઈસ્ટમાં નો ફાયરસ્ટેશન

30 December, 2011 08:48 AM IST  | 

કાંદિવલી-ઈસ્ટમાં નો ફાયરસ્ટેશન



શહેરના પશ્ચિમી પરા કાંદિવલીમાં છેલ્લાં ૩૫ વર્ષથી એક જ ફાયરસ્ટેશન છે. છેલ્લા ત્રણ દાયકામાં કાંદિવલીની સંપૂર્ણ શિકલ બદલાઈ ગઈ છે ત્યારે કાંદિવલી-ઈસ્ટમાં ફાયરસ્ટેશન આવશ્યક બની ગયું છે. આ બાબતે અનેક સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાવાળા તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી એવી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તાજેતરમાં અંધેરી એમઆઇડીસીમાં લાગેલી આગ અને કલકત્તાની હૉસ્પિટલમાં લાગેલી આગ બાદ આ વિસ્તારના રહેવાસીઓને પોતાની સુરક્ષા જોખમમાં લાગી રહી છે. કાંદિવલીનું વર્તમાન ફાયરસ્ટેશન કાંદિવલી વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલું છે. આ ફાયરસ્ટેશનની સ્થાપના ૧૯૭૭ના જાન્યુઆરીમાં થઈ હતી. ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે કાંદિવલીની વસ્તી ૬.૯૦ લાખની ઉપર પહોંચી ગઈ છે એટલું જ નહીં, અહીં હાઇરાઇઝ ઇમારતોની સંખ્યા પણ વધી ગઈ છે.

કાંદિવલી-વેસ્ટનું ફાયરસ્ટેશન ડબલ સ્ટેશનની શ્રેણીમાં છે. અહીં બે ફાયર એન્જિન છે. નિયમ પ્રમાણે એક ફાયર એન્જિન માટે ડ્રાઇવર, લીડિંગ ફાયરમૅન તથા ચાર ફાયરમેન હોવા જરૂરી છે, પરંતુ અહીં બે ફાયર એન્જિન વચ્ચે માત્ર એક જ ક્રૂ હોવાનું જાણવા મળ્યું હતું.

કાંદિવલી-વેસ્ટ જેટલો જ વિકાસ કાંદિવલી-ઈસ્ટનો થયો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કાંદિવલી-ઈસ્ટમાં ફાયરસ્ટેશન હોવું જરૂરી છે. આકુર્લી રોડની એક સોસાયટીમાં રહેતા વિનોદ ધાકડે આ બાબતે મિડ ડે LOCALને કહ્યું હતું કે ‘ફાયરસ્ટેશન માટે અમે મુંબઈ સુધરાઈ, સ્થાનિક વિધાનસભ્ય તથા સંસદસભ્ય સમક્ષ રજૂઆત કરી છે. કાંદિવલી- ઈસ્ટમાં અશોકનગર, ઠાકુર કૉમ્પ્લેક્સ, લોખંડવાલા વગેરે વિસ્તારોમાં છેલ્લાં વીસ વર્ષમાં અનેક નવી ઇમારતો ઊભી થઈ છે. એની સામે ફાયરસ્ટેશન જેવી આવશ્યક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. કોઈ અપ્રિય ઘટના બને તો કાંદિવલી-વેસ્ટમાંથી અહીં બંબા પહોંચતાં ખાસ્સો સમય લાગી શકે છે.’

કાંદિવલીના અશોકનગર વિસ્તારમાં ઔદ્યોગિક એકમ ધરાવતા મહેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘અશોકનગરમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં આગ જેવી ઘટના બને તો બંબાવાળા પહોંચે એ પહેલાં ખાસ્સું નુકસાન થઈ શકે છે.’

કાંદિવલી-ઈસ્ટમાં ફાયરસ્ટેશનની કોઈ દરખાસ્ત છે કે કેમ એમ આર-સાઉથ વૉર્ડના સહાયક સુધરાઈ કમિશનર સંજોગ કબરેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘ઈસ્ટમાં ઠાકુર વિલેજ નજીક વાઇસરોય ર્કોટ સામે ફાયરસ્ટેશન માટેની જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ કેટલીક કાનૂની અડચણને કારણે કામ આગ વધી શક્યું નથી.’

કાંદિવલી-ઈસ્ટમાં સ્ટેશન નજીક પણ અનેક ઇમારતો આવેલી છે. અહીં ફેરિયાઓનો એટલો જમાવડો રહે છે કે કોઈ અપ્રિય ઘટના બને તો બંબાવાળા તથા ઍમ્બ્યુલન્સને અવરજવર માટે મુશ્કેલી પડી શકે છે.