મૃતદેહથી કોરોના ઇન્ફેક્શન ફેલાતું હોવાના કોઈ પુરાવા નથીઃ હાઈ કોર્ટ

23 May, 2020 11:08 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

મૃતદેહથી કોરોના ઇન્ફેક્શન ફેલાતું હોવાના કોઈ પુરાવા નથીઃ હાઈ કોર્ટ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસનું ઇન્ફેક્શન મૃતદેહો દ્વારા ફેલાતું હોવાના કોઈ પુરાવા વૈજ્ઞાનિક અભ્યાસ કે તબીબી સંશોધનોમાં પ્રાપ્ત થયા નહીં હોવાનું મુંબઈ વડી અદાલતે જણાવ્યું હતું. કોરોના ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામેલા લોકોની અંતિમ વિધિ માટે ૨૦ દફનભૂમિઓ અને કબ્રસ્તાનો અલાયદાં રાખવા બાબતના મુંબઈ મહાનગરપાલિકાના ૯ એપ્રિલના પરિપત્રને પડકારતી અરજીઓને રદબાતલ કરતી વેળા મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ એસ. એસ. શિંદેની ડિવિઝન બેન્ચે ઉપરોક્ત બાબત જણાવી હતી.

ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાને કોરોના ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિની દફનવિધિ માટે કોઈ પણ કબ્રસ્તાન કે દફનભૂમિ ફાળવવાની સત્તા છે. મડદાં કોરોના ઇન્ફેક્શન ફેલાવતાં હોવાના કોઈ પુરાવા નથી. મુંબઈ મહાનગરપાલિકાનો એ પરિપત્ર કાયદેસર છે અને પાલિકાના તંત્રને મૃતદેહના નિકાલ માટે યોગ્ય નિર્ણય લેવાની સત્તા સોંપાઈ છે. મૃતદેહોના નિકાલ બાબતે મહાનગરપાલિકા

કે અન્ય સક્ષમ સત્તાતંત્રોએ કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.’

બાંદરા કબ્રસ્તાનમાં કોરોના ઇન્ફેક્શનથી મૃત્યુ પામેલા ૧૯ દરદીઓની દફનવિધિ બાબતે બાંદરાના રહેવાસી પ્રદીપ ગાંધીની અરજીના સંદર્ભમાં અદાલતે જણાવ્યું હતું કે ‘આવી અરજી કરવા બદલ અરજદાર પાસે ભારે દંડ વસૂલ કરવાનો આદેશ આપી શકાય, પરંતુ રોગચાળાના માહોલમાં એવું કરવું યોગ્ય જણાતું નથી.’

પ્રદીપ ગાંધીની અરજી સામે વિરોધ કરતાં બાંદરા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મૃતદેહોની દફનવિધિ પૂર્વે પૂરતી કાળજી રાખવામાં આવે છે. અગાઉ મુંબઈ મહાનગરપાલિકાએ ઍફિડેવિટમાં સ્પષ્ટતા કરી હતી કે મૃતદેહો દ્વારા કોરોના ઇન્ફેક્શન ફેલાતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

coronavirus covid19 mumbai mumbai news bombay high court