આર્યન ખાને ડ્રગ્સ લીધા હોવાના કોઈ જ પુરાવા નથી : હાઈ કોર્ટ

21 November, 2021 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪ પાનાંના હુકમમાં કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આર્યન ખાન અને અન્ય આરોપીઓએ પૂર્વઆયોજન કરીને ડ્રગનું સેવન કર્યું હોવાનું જાણવા મળતું નથી.

આર્યન ખાન

મુંબઈ હાઈ કોર્ટે આર્યન ખાનને ર૮ ઑક્ટોબરે જામીન આપ્યા બાદ ગઈ કાલે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ થઈ હતી. ૧૪ પાનાંના હુકમમાં કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આર્યન ખાન અને અન્ય આરોપીઓએ પૂર્વઆયોજન કરીને ડ્રગનું સેવન કર્યું હોવાનું જાણવા મળતું નથી.
ર૮ ઑક્ટોબરે હાઈ કોર્ટે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફૅશન-મૉડલ મુનમુન દામેચાના જામીન એક લાખ રૂપિયાના બૉન્ડ પર મંજૂર કર્યા હતા. હાઈ કોર્ટમાં ન્યાયમૂર્તિ એન. ડબ્લ્યુ. સાંબરેની સિંગલ જજની બેન્ચે આપેલા વિગતવાર હુકમમાં કહ્યું હતું કે વૉટ્સઍપ-ચૅટમાં કશું જ વાંધાજનક નથી. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ કે દામેચાએ સાથે મળીને કોઈ આયોજન કર્યું હોય એવું ક્યાંય ફલિત થતું નથી. કાનૂનભંગ કરવા માટે આરોપીઓએ ઇરાદાપૂર્વક કામ કર્યું હોય એવા ભાગ્યે જ કોઈ પુરાવા છે. એ ઉપરાંત આર્યન અને અરબાઝ સ્વતંત્ર રીતે પ્રવાસ કરી રહ્યા હતા. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યાં નથી. મર્ચન્ટ અને દામેચા પાસે પણ અત્યંત ઓછી માત્રામાં ડ્રગ્સ મળ્યું છે. એનસીબીએ ૩ ઑક્ટોબરે આ ત્રણેયની ધરપકડ કરી હતી. આરોપીઓને ૨૫ દિવસ કેદમાં રાખ્યા હોવા છતાં ડ્રગ્સ-સેવનની ખાતરી કરાવવા તેમની મેડિકલ-ટેસ્ટ કરાઈ ન હોવાથી કોર્ટે એનસીબીની ઝાટકણી કાઢી હતી.

aryan khan Mumbai mumbai news bombay high court