ક્યુઆર કોડ નહીં તો લોકલમાં નો એન્ટ્રી

13 July, 2020 10:16 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ક્યુઆર કોડ નહીં તો લોકલમાં નો એન્ટ્રી

કાંદિવલી રેલવે-સ્ટેશન પરથી ટ્રેન પકડતા મુસાફરો.

રાજેન્દ્ર બી. અકલેકર
મુંબઈ: પશ્ચિમ રેલવેના તંત્રે આગામી ૨૦ જુલાઈથી સરકારી કર્મચારીઓ માટે ક્યુઆર કોડ ધરાવતા પાસ ફરજિયાત બનાવ્યા છે. જે સરકારી કર્મચારી પાસે ક્યુઆર કોડ ધરાવતા પાસ નહીં હોય તેમને રેલવે-સ્ટેશન પર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. જે સરકારી કર્મચારી ક્યુઆર કોડ ધરાવતા પાસ વગર પશ્ચિમ રેલવેના સબર્બન સ્ટેશન પર પહોંચશે, ‌તેમની પાસે વિના ટિકિટ પ્રવાસ બદલ દંડ વસૂલ કરવામાં આવશે અને ટ્રેનમાં ચડવા નહીં દેવાય. નવા નિયમ બાબતે પશ્ચિમ રેલવેના સ્ટેશન્સ-પ્લૅટફૉર્મ્સ અને ટ્રેનોમાં જાહેરાતો શરૂ કરી છે. જોકે મધ્ય રેલવેએ આ પ્રકારનો કોઈ નિર્ણય હજી સુધી લીધો નથી.
પશ્ચિમ રેલવેના એક સિનિયર ડિવિઝનલ ઑફિસરે જણાવ્યું હતું કે ‘ટ્રેનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ બાબતે ચિંતાનો વિષય ઊભો થયો છે. સ્ટેશનો-પ્લૅટફૉર્મ્સ પર ટોળાં પર નિયંત્રણની પણ સમસ્યા રહે છે. આવશ્યક સેવાઓમાં કાર્યરત સરકારી કર્મચારીઓ માટે ક્યુઆર કોડ્સ તૈયાર કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસના સહયોગમાં શરૂ કરી છે. ‘ડેટાબેઝ અપડેટ’ કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. એ કાર્યવાહી એકાદ અઠવાડિયામાં પૂરી થતાં યોજના અમલી બનશે. ટ્રેનોમાં ભીડ ન વધે એ માટે ઑફિસોના સમય જુદા-જુદા રાખવાની જોગવાઈ અમલમાં છે. એ ઉપરાંત ભીડ ઓછી રાખવાની તકેદારી માટે આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓળખની રીત સરળ બનાવવા માટે ક્યુઆર કોડ્સનું સરકારી કર્મચારીઓનાં આઇડેન્ટિટી કાર્ડ્સની જોડે સિન્ક્રોનાઇઝેશન કરવામાં આવશે. ટિકિટ-ચેકિંગ ઝડપી બનાવવા માટે ક્યુઆર બેઝ્ડ ઈ-પાસિસમાં કલર-કોડિંગ પણ રાખવામાં આવશે. ’

mumbai mumbai news kandivli rajendra aklekar indian railways mumbai local train