ફિલ્મી હસ્તીઓને રિયલ એસ્ટેટની મંદી નથી નડતી

29 September, 2011 08:04 PM IST  | 

ફિલ્મી હસ્તીઓને રિયલ એસ્ટેટની મંદી નથી નડતી

- વરુણ સિંહ


મુંબઈ, તા. ૨૯


જાણીતા પ્રોડ્યુસર, ડિરેક્ટર કરણ જોહરે અઠવાડિયા પહેલાં જૈન આર્કેડમાં ૧૦૦૦ સ્ક્વેરફૂટની ઑફિસ ખરીદી છે. બાંદરાના એક બ્રોકરે કહ્યું હતું કે આ જ બિલ્ડિંગમાં કરણ જોહર એક ઑફિસ ધરાવે છે. ખારમાં આવેલા આ બિલ્ડિંગની પ્રૉપર્ટી માટે કરણ જોહરે ત્રણ કરોડ રૂપિયા ચૂકવ્યા હશે.


ખારના જ બીજા એક બ્રોકરે કહ્યું હતું કે ‘અભિનેત્રી વિદ્યા બાલન ખારના ૧૭મા રસ્તા પર ટૂ બીએચકેનો ફ્લૅટ શોધી રહી છે. તેણે ઘર ખરીદી લીધું છે એવી અફવા છે, પરંતુ મારી જાણકારી પ્રમાણે હજી સુધી તેણે પ્રૉપર્ટી ખરીદી નથી.’


જોકે વિદ્યા બાલનના પ્રવક્તાએ કહ્યું હતું કે વિદ્યાએ બે વર્ષ પહેલાં એક ફ્લૅટ ખરીદ્યો હતો અને એમાં તે ખુશ છે. બાંદરા-ખાર વિસ્તારની જાણીતી એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની સિપ્પી હાઉસિંગના સંજય સિપ્પીએ કહ્યું હતું કે ‘માર્કેટમાં મંદી ચાલે છે એટલે ઘણી જાણીતી હસ્તીઓ પ્રૉપર્ટી ખરીદવા ઉત્સુક છે. નવા બિલ્ડિંગના પ્લાન પાસ નથી થઈ રહ્યા. એ થશે ત્યારે હું પોતે જ પાંચેક ડીલ કરી શકીશ.’


બીજા એક બ્રોકરે કહ્યું હતું કે ‘કૅટરિના કૈફ અને કરીના કપૂર પણ એક વર્ષથી ફ્લૅટ શોધી રહી છે. સોહા અલી ખાન પણ પોતાના માટે બાંદરાના હિલ રોડ પર એક ફ્લૅટ શોધી રહી છે.’


આ તો એક્સ્ટૉર્શન


પીઢ અભિનેતા કબીર બેદીએ ટ્વિટર પર લખ્યું છે કે ‘બિલ્ડરો ઘર ખરીદનાર લોકો પાસે જે કાળું નાણું માગે છે એનો પણ જનલોકપાલ બિલમાં સમાવેશ કરવો જોઈએ. એ લાંચ કરતાં પણ ખરાબ છે. એ તો એક્સ્ટૉર્શન છે’