ડ્રગ્સ ન મળવું, સાક્ષીનું ફરી જવું અને મેડિકલ ટેસ્ટ ન કરાવવી

28 May, 2022 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ હતાં મુખ્ય કારણો આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીન ચિટ મળવાનાં

આર્યન ખાન

ગયા વર્ષે કૉર્ડેલિયા ક્રૂઝ પર ડ્રગ્સના મામલે બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૨૦ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું, જેમાં એણે કહ્યું હતું કે આર્યન ખાન અને તેની મિત્ર મોહક જયસ્વાલને બાદ કરતાં અન્ય તમામ આરોપીઓ પાસેથી નશીલા પદાર્થ મળી આવ્યા હતા. એનસીબીએ દાખલ કરેલી આ ચાર્જશીટ પરથી સ્પષ્ટ થાય છે કે આર્યન ખાનને ડ્રગ્સના આ મામલામાં પૂરતા પુરાવાના અભાવે ક્લીન ચિટ આપવામાં આવી છે. આર્યન ખાન પાસેથી એનસીબીને કોઈ ડ્રગ્સ નહોતું મળ્યું છતાં તેને શા માટે પકડવામાં આવ્યો છે એવો પ્રશ્ન એ સમયે કાયદાના જાણકારોએ ઉઠાવ્યો હતો. 
એનસીબીએ ગઈ કાલે ૬૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એણે જે ૨૦ જણની ધરપકડ કરી હતી એમાંથી ૧૪ને આરોપી બતાવ્યા હતા. આર્યન ખાનને આરોપી બતાવવામાં આવ્યો નથી. ગઈ કાલે એનસીબીના ચીફ એસ. એન. પ્રધાને કબૂલ કર્યું હતું કે આ કેસની તપાસમાં શરૂઆતમાં અમુક ગેર‌રીતિઓ આચરવામાં આવી હતી. એનસીબીએ આવા ગંભીર ગુનામાં વૉટ્સઍપ ચૅટ પર જ દારોમદાર રાખ્યો હતો. 
એક સમયે આર્યન ખાન પર ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સામેલ હોવાનો આરોપ મૂકનાર એનસીબીનો કેસ ભાંગી પડવાના કારણોમાં સૌથી મોટું કારણ એ હતું કે આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં એ જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરવામાં નહોતી આવી, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હોવા છતાં આ કેસના બીજા આરોપીઓની સાથે તેનો કેસ જોડી દેવામાં આવ્યો હતો, સર્ચ-ઑપરેશનની વિડિયોગ્રોફી કરવામાં નહોતી આવી, કેસનો એક સાક્ષી એસઆઇટી સમક્ષ ફરી ગયો હતો અને કહ્યું હતું કે તેની પાસે કોરા કાગળ પર સહી કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, બે સાક્ષીઓએ તો એસઆઇટીને એવું કહ્યું હતું કે તેઓ એ સમયે ત્યાં હાજર જ નહોતા.
એનસીબીએ ગઈ કાલે દાખલ કરેલા આરોપનામામાં જણાવ્યું હતું કે બાતમીના આધારે ૨ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ મુંબઈ એનસીબીએ વિક્રાંત, ઇસમીત, અરબાજ, આર્યન અને ગોમિતને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ખાતે આવેલા ઇન્ટરનૅશનલ પોર્ટ ટર્મિનલ પર તાબામાં લીધા હતા. બાદમાં નૂપુર, મોહક જયસ્વાલ અને મૂનમૂનની કૉર્ડેલિયા ક્રુઝ પરથી ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે આર્યન ખાન અને મોહક જયસ્વાલ સિવાય તમામ આરોપીઓ પાસેથી નશીલા પદાર્થ મળી આવ્યા હતા.  

મને માફ કરો, હું કંઈ નહીં કહું : સમીર વાનખેડે

એનસીબીએ આર્યન ખાનને ક્લીન ચિટ આપ્યા બાદ ગઈ કાલે કેટલાક પત્રકારોએ આ કેસના એ સમયના મુખ્ય અધિકારી સમીર વાનખેડેને પૂછ્યું ત્યારે તેમણે આ મામલે કંઈ પણ કહેવાની ના પાડી હતી અને એટલું જ બોલ્યા હતા કે ‘મને માફ કરો. મારે આ પ્રકરણમાં કંઈ નથી કહેવું. તમારે આ વિશે પૂછવું હોય તો એનસીબીના સંબંધિત અધિકારીને પૂછો. હું અત્યારે એનીસીબીમાં નથી.’

એનસીબીએ આર્યનને ખોટા કેસમાં ફસાવ્યો હોવાનું પુરવાર થયું : એનસીપી

એનસીબીએ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના મામલામાં ક્લીન ચિટ આપતાં એનસીપીએ એનસીબીના આ નિર્ણયને આવકાર્યો હતો. એનસીપીના મુખ્ય પ્રવક્તા મહેશ તપાસેએ કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવા માટે એનસીબી દ્વારા મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આર્યન ખાન પાસેથી કોઈ નશીલો પદાર્થ નહોતો મળ્યો તો તેને શા માટે જેલમાં બંધ કરવામાં આવ્યો? તેની ધરપકડ કરવા પાછળનો હેતુ શું હતો? તેને થયેલા ત્રાસ માટે કોણ જવાબદાર? આવા અનેક સવાલ ઊભા થાય છે.’
કૉન્ગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ કહ્યું હતું કે ‘સત્ય સામે આવ્યું છે. અમે પહેલા દિવસથી કહેતા હતા કે ડ્રગ્સના મામલામાં આર્યન ખાનને ફસાવવો એ મોટું કાવતરું છે. એનસીબીના નવાબ મ‌લિક પહેલેથી જ આ વિશે કહેતા આવ્યા છે. બીજેપીએ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કર્યો હોવાનું આ મામલામાં જણાઈ આવ્યું છે.’

mumbai mumbai news aryan khan