31 January, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના નેતા નવનાથ બન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહારાષ્ટ્રના મીડિયા પ્રભારી નવનાથ બને શુક્રવારે કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે અજિત પવાર કથિત સીંચાઈ-કૌભાંડ કેસમાં તેમના પર લગાડવામાં આવેલા આરોપોમાંથી મુક્ત થઈ જશે.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કમેન્ટ કરી હતી કે વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અજિત પવારને સાચી શ્રદ્ધાંજલિ એ હશે કે BJP સીંચાઈ-કૌભાંડના આરોપો પાછા ખેંચે. એનો જવાબ આપતાં પત્રકારો સાથે વાત કરતાં નવનાથ બને કહ્યું હતું કે ‘આ મામલો કોર્ટમાં છે અને જ્યારે આખું રાજ્ય પવારના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યું છે ત્યારે રાજકીય પ્રશ્નો ઉઠાવવા અયોગ્ય છે. સીંચાઈ-કૌભાંડના આરોપો સંબંધિત કેસ પહેલાંથી જ કોર્ટમાં છે. એમાં કોઈ શંકા નથી કે અજિત પવારને ન્યાય મળશે અને તેમની સામેના આરોપોમાંથી તેમને મુક્ત કરવામાં આવશે’.
તેમણે સંજય રાઉતની કમેન્ટના સમય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે પવારના મૃત્યુના એક દિવસ પછી જ આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો? BJPએ અગાઉ અજિત પવાર પર સીંચાઈ વિભાગમાં કૌભાંડનો આરોપ લગાડ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે એ ક્યારેય NCP સાથે જોડાણ કરશે નહીં.
૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીઓ પછી રાજકીય પુનર્ગઠન થયું અને જૂન ૨૦૨૩માં અજિત પવાર તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપિત NCPથી અલગ થઈ ગયા અને BJPની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા. ત્યાર બાદ તેમણે NCP નામ અને પ્રતીક પર નિયંત્રણ મેળવ્યું, જ્યારે શરદ પવારનો પક્ષ NCP (SP) તરીકે ઓળખાવા લાગ્યો.