૮-૧૦ વર્ષની તકલીફોનો અંત ૮-૧૦ દિવસમાં જ

02 January, 2023 08:39 AM IST  |  Mumbai | Rohit Parikh

ડિફેન્સની જગ્યાઓની ફરતે ૫૦૦ મીટર નહીં પણ ૫૦ મીટર સુધી જ બાંધકામ નહીં કરી શકાય એવી નવી માર્ગદર્શિકા તો આવી ગઈ, પણ સવાલ એ હતો કે અટકેલા પ્રોજેક્ટને ક્યારથી ફરી શરૂ કરવાની લીલી ઝંડી મળશે?

ડિફેન્સની એનઓસીની રાહમાં અટકી પડેલું ઘાટકોપરનું રામદેવ હાઇટ્સ બિલ્ડિંગ

ડિફેન્સની જગ્યાઓની ફરતે ૫૦૦ મીટર નહીં પણ ૫૦ મીટર સુધી જ બાંધકામ નહીં કરી શકાય એવી નવી માર્ગદર્શિકા તો આવી ગઈ, પણ સવાલ એ હતો કે અટકેલા પ્રોજેક્ટને ક્યારથી ફરી શરૂ કરવાની લીલી ઝંડી મળશે? તો આ છે જવાબ કે ઘાટકોપર સહિતના અટકેલા પ્રોજેક્ટ્સનું કામ શરૂ કરવાની પરવાનગી કદાચ આગામી દસ દિવસમાં મળી પણ જાય : જોકે ડિફેન્સવાળા ૫૦ મીટર ક્યાંથી ગણશે એ મામલે કેટલાક રહેવાસીઓમાં છે હજી મૂંઝવણ

રક્ષણ મંત્રાલયે શુક્રવાર, ૨૩ ડિસેમ્બરે એક માર્ગદર્શિકા બહાર પાડીને મુંબઈ અને દેશના અન્ય ભાગોમાં નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરના અંતરને ઘટાડીને ૫૦ મીટર કરીને આ વિસ્તારમાં આવેલાં નવાં બાંધકામોને લીલી ઝંડી આપીને ત્યાંના રહેવાસીઓને બહુ મોટી રાહત આપી હતી. જોકે વર્ષોથી મુંબઈ મહાનગરપાલિકા અને સંરક્ષણ મંત્રાલયના નૌકાદળનાં સ્થાપનોના પ૦૦ મીટરના અંતરમાં નવું બાંધકામ કરતાં પહેલાં નૌકાદળનું નો ઑબ્જેકશન સર્ટિફિકેટ જરૂરી છે એ આદેશને કારણે બેઘર બની ગયેલા અને પોતાનું ઘર હોવા છતાં ઘર વગર રઝળી પડેલા રહેવાસીઓ ૨૩ ડિસેમ્બરના આદેશ પછી પણ અસમંજસભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ રહેવાસીઓ કહે છે કે સંરક્ષણ મંત્રાલયનો આદેશ તો આવી ગયો, પણ હવે મુંબઈ મહાનગરપાલિકાનો બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ અમને અમારા આઠ-દસ વર્ષથી અટકી ગયેલાં બાંધકામોને શરૂ કરવાની પરવાનગી આપશે કે નહીં? આ બાબતમાં સ્પષ્ટતા કરતાં આ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ એવો નિર્દેશ આપ્યો હતો કે અમે આઠથી દસ દિવસમાં બિલ્ડર/ડેવલપરને તેમનાં બાંધકામ શરૂ કરવાની પરવાનગી આપવાની શરૂઆત કરી દઈશું. 
સંરક્ષણ મંત્રાલય દ્વારા કબજે કરેલી મિલકતોની નજીકમાં મકાનના બાંધકામ માટે ૨૩ ડિસેમ્બરના સંરક્ષણ મંત્રાલયના આદેશ પહેલાં સમગ્ર વિકાસ/પુનઃવિકાસ સંરક્ષણ સંસ્થાઓની આસપાસ અને આસપાસના વિભાગો માટે નૌકાદળ તરફથી એનઓસી આપવાની બંધ કરી દેવાથી મુંબઈમાં નૌકાદળનાં સ્થાપનોની ૫૦૦ મીટરનાં અંદરનાં બાંધકામો અટકી પડ્યા હતાં. આ માહિતી આપતાં ઘાટકોપરના જાણીતા આર્કિટેક્ટ મનોજ દહિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં ફેબ્રુઆરી ૨૦૧૫માં મહારાષ્ટ્ર સરકારે એક માગદર્શિકા જાહેર કરીને સંરક્ષણ મંત્રાલયના મે ૨૦૧૧ના આદેશને અનુસરવાનું કહીને એ પ્રમાણે નો ઑબ્જેકશન સર્ટિફિકેટ સંબંધિત વિભાગમાંથી આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ત્યાર પછી ફરીથી માર્ચ ૨૦૧૫માં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે વધુ નિર્દેશો જાહેર કરીને કહ્યું હતું કે જેમણે પણ મે ૨૦૧૫ પહેલાં પરવાનગીઓ લીધી હશે તેમણે બિલ્ડિંગની હાઇટના મુદ્દે એ પરવાનગી લાગુ પડશે નહીં. તેમને ૨૦૧૧ની જોગવાઈ પ્રમાણે ઊંચાઈમાં સુધારા કરવા પડશે. સંરક્ષણ મંત્રાલયે ત્યાર પછી ઑક્ટોબર ૨૦૧૬માં ૧૦ મીટરનું બફર પ્રદાન કરવાનું હતું, પણ એ નિર્દેશોમાં નૌકાદળની મિલકતોને સામેલ કરવામાં આવી નહોતી. ભારત સરકારે નવેમ્બર ૨૦૧૬માં તેમની સ્પષ્ટતા કરતાં પુનરુચ્ચાર કર્યો હતો કે નવેમ્બર ૨૦૧૬માં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા નૌકાદળની સંસ્થાઓને લાગુ પડતી નથી. આ બાબતને ડિસેમ્બર ૨૦૧૬માં ફરીથી સ્પષ્ટ કરવામાં આવી હતી. ત્યાર પછી સ્ટેકહોલ્ડર્સ, રિયલ એસ્ટેટ ડેવલપર અસોસિએશનોએ મહારાષ્ટ્ર સરકારને મુંબઈ અને મહારાષ્ટ્રના નેવલ એસ્ટૅબ્લિશમેન્ટો માટે માર્ગદર્શિકા જાહેર કરવાનું કહ્યું હતું. નવા આદેશ પ્રમાણે ઑક્ટોબર ૨૦૧૬નો આદેશને રદ કરીને જે પહેલાં ૧૦ મીટરનું બફર પ્રદાન કરવામાં આવ્યું હતું એને હવે ૫૦ મીટરનું કરી દેવામાં આવ્યું છે.`

રહેવાસીઓની વેદના અને રાહતની ખુશી
સંરક્ષણ મંત્રાલયના નવા આદેશ પ્રમાણે હવે ૫૦૦ મીટરના અંતરનાં નવાં બાંધકામો કે રીડેવલપમેન્ટનાં કામો માટે નૌકાદળની એનઓસી લેવાની જરૂર નથી. એનાથી ઘાટકોપર-વેસ્ટ અને વિદ્યાવિહાર-ઈસ્ટના અનેક રહેવાસીઓને બહુ મોટી રાહત મળશે. આ માહિતી આપતાં ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં નેવલ સ્ટોરથી ૫૦ મીટર દૂર રહેતા નરેન્દ્ર સોને ‘મિડ-ડે’ને કહ્યું હતું  કે ‘સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો એ માટે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહ, મહારાષ્ટ્રના હાલના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને સંસદસભ્ય મનોજ કોટકના ખૂબ જ આભારી છીએ. આ આદેશ પછી પણ અમે જે લોકો ઘાટકોપર-વેસ્ટના નેવલ સ્ટોરની સામે જ રહીએ છીએ તેમના જેવા માટે હજી કોકડું ગૂંચવાયેલું છે કે નૌકાદળના અધિકારીઓ ૫૦ મીટરનું અંતર ક્યાંથી ગણશે? તેઓ તેમના સ્ટોરની દીવાલથી ગણશે કે મેઇન લાલ બહાદુર શાસ્ત્રી માર્ગથી? કારણ કે બંનેમાં ચારથી પાંચ ફુટનો ફરક પડી જાય છે. આના પ્રમાણે અમને કેટલા માળનું બિલ્ડિંગ બનાવવાની મહાનગરપાલિકા પરવાનગી આપશે એનો ખ્યાલ આવશે. આ માટે અમારે નૌકાદળની સ્પષ્ટતાની રાહ જોવી પડશે. અમારી પ્રપોઝલ નૌકાદળ પાસે જશે ત્યારે જ અમને તેઓ ૫૦ મીટરનું અંતર ક્યાંથી ગણશે એની જાણકારી મળશે. એના પરથી અમારું નવું બિલ્ડિંગ કેટલા માળનું અને કેટલી ઊંચાઈનું બનશે એનો અમને ખ્યાલ આવશે કે પછી અમારે નૌકાદળ પાસેથી સ્પેશ્યલ પરવાનગી લેવી પડશે એ અમને અત્યારે સમજાતું નથી.’

અમે તો બેઘરના બેઘર જ રહ્યા એમ જણાવીને નારાયણનગરની નારાયણ શામજી સોસાયટીના ઉમેશ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ અમારું મકાન પાઘડી સિસ્ટમનું છે એને અત્યંત જોખમી ઇમારત કહીને ૨૦૧૭માં ખાલી કરાવી નાખ્યું હતું. અમે અમારું ઘર હોવા છતાં અત્યારે અમારા ખર્ચે ભાડાની રૂમમાં રહીએ છીએ. અમારી સોસાયટી નેવલ સ્ટોરના ૫૦ મીટરની અંદર આવતી હોવાથી સંરક્ષણ મંત્રાલયના નવા આદેશ પછી પણ અમે તો ત્યાંના ત્યાં જ છીએ.’

સંરક્ષણ મંત્રાલયે મોડે-મોડે પણ એના કાયદામાં સુધારો કર્યો એ આવકારદાયક છે એમ જણાવીને કામા લેનમાં તેમનું નવું ઘર બને એની આઠ વર્ષથી રાહ જોઈ રહેલા નીલેશ શાસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંરક્ષણ મંત્રાલયના કાયદાની સામે લડવા અને અમારું ઘર મેળવવા અમે આંદોલનથી લઈને અનેક માર્ગો લીધા પછી પણ અમને સફળતા મળી નહોતી. અમારા સંસદસભ્ય મનોજ કોટક અને વિધાનસભ્ય પરાગ શાહની જહેમતથી આજે અમને ઘર મળવાની આશા જન્મી છે. દેર આએ, દુરુસ્ત આએ. અમારી ધીરજ ખૂટી ગઈ હતી. હવે અમે નિરાંતનો શ્વાસ લીધો છે. જે વેદના વડીલોએ ભોગવી છે એ વ્યક્ત કરી શકાય એમ નથી. ઘણા વડીલોએ તેમને નવું ઘર મળી જાય એની રાહ જોઈને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. જોકે હવે જેટલા પણ વડીલો અને તેમનાં સંતાનો છે તેમને પોતાના હકનું ઘર હવે જલદી મળી જાય એવી આશા છે.’

મહાનગરપાલિકા શું કહે છે?
મુંબઈ મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે સંરક્ષણ મંત્રાલયના નિર્ણયને આવકારતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નિર્ણયથી અનેક બેઘર બનેલા અને અનેક અત્યંત જોખમી બનેલાં મકાનોના રહેવાસીઓને બહુ મોટી રાહત મળી છે. અમે આ નિર્ણય પર જલદીથી અમલીકરણ એ માટે પૂરતા પ્રયાસો કરીશું. આજે હજારો લોકો આ નિર્ણયને લીધે ગેલમાં આવી ગયા છે.’ બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા લાંબા સમયથી સંરક્ષણ મંત્રાલયના આદેશને લીધે અમે નૌકાદળમાંથી એનઓસી મેળવી શકતા નહોતા. અમે નવા બાંધકામને પરવાનગી આપી શકતા નહોતા. જોકે નવા આદેશને અમે આઠથી દસ દિવસમાં અમલમાં મૂકીને જેમનાં અટકી ગયેલાં બાંધકામો છે તે સૌને બાંધકામ શરૂ કરવાની પરવાનગી આપીશું.’

પરાગ શાહ શું કહે છે?
ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંરક્ષણ મંત્રાલયનો પરિપત્ર ગવર્નમેન્ટ સાઇટ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા એના પર તાત્કાલિક અમલીકરણ કરવાની શરૂઆત કરશે. આ આદેશથી ફક્ત મહાનગરપાલિકાના જ ક્ષેત્રમાં નહીં, મ્હાડાના ક્ષેત્રમાં પણ અટકેલાં કામો ફરીથી જોરમાં શરૂ થઈ જશે. આનાથી હજારો લોકોને રાહત મળી છે. એકલા ઘાટકોપરમાં જ ૯૦થી વધુ પ્રોજેક્ટોને આનો ફાયદો મળશે. સંરક્ષણ મંત્રાલયના આદેશની વધુ સારી રીતે રૂપરેખા સમજાવવા માટે મંગળવારે સંસદસભ્ય મનોજ કોટકે ઘાટકોપરમાં રહેવાસીઓની સાથે એક મીટિંગનું પણ આયોજન કર્યું છે.’  

mumbai mumbai news defence ministry indian navy rohit parikh