મરોલ એમઆઇડીસીમાં ભીષણ આગ : જાનહાનિ નહીં

14 February, 2020 11:54 AM IST  |  Mumbai Desk | Anurag Kamble

મરોલ એમઆઇડીસીમાં ભીષણ આગ : જાનહાનિ નહીં

જ્યાં આગ લાગી એ એમઆઇડીસીનું રોલ્ટા ટેક્નૉલૉજી બિલ્ડિંગ. તસવીર : રાણે આશિષ

અંધેરી-ઈસ્ટના મરોલ એમઆઇડીસીની સ્ટ્રીટ નંબર બાવીસમાં આવેલી રોલ્ટા ટેક્નૉલૉજી પાર્કના ત્રણમાંના એક ગ્રાઉન્ડ પ્લસ ૩ મા‍ળના કમર્શિયલ બિલ્ડિંગના બીજા માળે ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ તરત જ ફાયરબ્રિગેડને કરાઈ હતી. એથી ૧૨ ફાયર એન્જિન, ૬ જમ્બો ટૅન્કર અને અન્ય વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના ૧૦૦ જેટલા જવાનોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. જોકે મોડી સાંજે મળતા અહેવાલ મુજબ આગને ઓલવવાનું કામ ચાલી રહ્યું હતું. આગ એટલી ભયાનક હતી કે એમાંથી નીકળતા ધુમાડાના કારણે બાજુની ઇમારતમાં રહેતી એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાઈ હતી.

રોલ્ટા આઇટી પાર્કના એ કૉમ્પ્લેક્સમાં ત્રણ મકાનો છે, પણ છેલ્લાં બે વર્ષથી એ મકાનો બંધ છે, ઑપરેશનલ નથી. માત્ર સિક્યૉરિટીના કર્મચારીઓ ત્યાં બેઠા હોય છે. આગના કારણે સખત ધુમાડો થયો હતો અને એના ગોટેગોટા ઊઠતા હતા જે દૂરથી પણ જોઈ શકાતા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર કાબૂ નહોતો મળી રહ્યો. એનો વ્યાપ વધતાં બપોરે અઢી વાગ્યે ફાયરબ્રિગેડે એ આગ લેવલ-૪ની જાહેર કરી હતી. એ પછી ફાયર એન્જિનની સંખ્યા પણ વધારવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત લઈ રહ્યા હતા. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ માલસામાનનું ભારે નુકસાન થયું હતું.

કાચની ફાસ્કેડ અને વેન્ટિલેશનનો અભાવ : પ્રભાત રહાંદળે
ચીફ ફાયર ઑફિસર પ્રભાત રહાંદળેએ આ આગ બાબતે કહ્યું હતું કે મકાનની ચારેતરફ કાચની ફાસ્કેડ લગાડાઈ હતી. એ સિવાય વેન્ટિલેશનનો પણ અભાવ હતો જેના કારણે અમારા જવાનોને પણ આગ ઓલવવામાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ ઉપરાંત મકાનની અંદરની ફાયરફાઇટિંગ સીસ્ટમ પણ ચાલુ નહોતી. છાપરું પણ બંધ કરાયેલું હતું અને પેસેજમાં પણ કાટમાળ‍ ખડકેલો હોવાથી મકાનની અંદર પ્રચંડ ગરમી અને ધુમાડો વ્યાપી ગયા હતા. એમાં પ્રવેશી પાણીનો મારો ચલાવનાર જવાનોની ટીમ અવારનવાર રીપ્લેસ કરવી પડતી હતી.

mumbai anurag kamble mumbai news