નો કાર પાર્કિંગ?... તો રાત્રે કરો મૉલમાં પાર્કિંગ

26 November, 2021 08:14 AM IST  |  Mumbai | Chetna Sadadekar

ઓલા અને ઉબરના માલિકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે : જોકે એ માટે ચાર્જ તો ચૂકવવો જ પડશે

વિક્રોલીમાં પાર્કિંગ સ્પૅસને અભાવે રસ્તા પર પાર્ક થયેલાં વાહનો.

ચેતના સદડેકર
chetna.sadadekar@mid-day.com
મુંબઈ : હવે જે રહેવાસી ઇમારતોની આસપાસ પાર્કિંગની જગ્યા નહીં હોય ત્યાંના લોકો નજીકના મૉલમાં રાતે ૧૧થી સવારે ૮ વાગ્યા સુધી પોતાનાં વાહનો પાર્ક કરી શકશે. ઓલા-ઉબર ગાડીના માલિકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. શહેરની ગલીઓમાં પાર્ક કરેલી થોકબંધ ગાડીઓની સમસ્યા ટાળવા મુંબઈ પાર્કિંગ ઑથોરિટી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મૉલ્સ આ પાર્કિંગની સુવિધા આપવા માટે ચાર્જ વસૂલ કરશે. શહેરમાં જ્યાં જમીન પર કે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા બની શકે છે એવાં સ્થળોની શોધ એમપીએ દ્વારા ચાલી રહી છે.
હવે લોકો રાતે ગલીઓને બદલે મૉલમાં વાહન પાર્ક કરી શકશે અને ત્યાં વાહનની સુરક્ષા પણ જળવાશે. શહેરના ૮ મુખ્ય મૉલે પાર્કિંગની સુવિધા ન ધરાવતાં વાહનો માટે તેમની પાર્કિંગ જગ્યા ખુલ્લી મૂકી છે. મુંબઈ પાર્કિંગ ઑથોરિટી આ કાર્યમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવશે, પણ મુખ્ય કારોબાર મૉલના સંચાલન હેઠળ જ થશે. સૂત્રો જણાવે છે કે દરેક મૉલ તેમના પાર્કિંગનો ચાર્જ પોતપોતાની મરજીથી નક્કી કરશે.
બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ભૂતકાળમાં ઘણી ફરિયાદ આવી છે કે ઘણા લોકોને ત્યાં પાર્કિંગની જગ્યા જ નથી હોતી. એવા લોકો માટે મૉલમાં પાર્કિંગ સારો વિકલ્પ રહેશે. ખાસ કરીને ઓલા-ઉબરની ગાડીઓ માટે એ ફાયદાકારક હશે.’
શહેરમાં પાર્કિંગની સમસ્યા ટાળવા મુંબઈ પાર્કિંગ ઑથોરિટી દ્વારા સિટી પાર્કિંગ પુલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મૉલમાં પાર્કિંગની પહેલ એનો જ ભાગ છે. સિટી પાર્કિંગ પુલ દ્વારા આખા શહેરના તમામ પાર્કિંગ-પ્લૉટને એક કૉમન આઇટી પ્લૅટફૉર્મ દ્વારા જોડવામાં આવશે. ત્યાં સુધી સુધરાઈ પ્રયાસ કરી રહી છે કે મોટા ભાગના પ્રાઇવેટ, સરકારી અને કમર્શિયલ પાર્કિંગ પ્લૉટ્સ જાહેર જનતા માટે ખુલ્લા થઈ શકે.
ટ્રાફિક-વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સિટી પાર્કિંગ પુલ હેઠળ માલિકો તેમનો પાર્કિંગ-પ્લૉટ ખુલ્લો મૂકી શકે છે. તેઓ તેમની અનુકૂળતા પ્રમાણેનાં ટાઇમિંગ, ચાર્જ અને નિયમો પણ ઘડી શકે છે. મૉલ્સમાં ૯ કલાકના પાર્કિંગ માટે વાહનદીઠ મહિને ૨૫૦૦થી લઈને ૩૫૦૦ રૂપિયા સુધીનો ચાર્જ કેટલાક મૉલે નક્કી કર્યો છે.’
**
મૉલનું નામ અને ઍડ્રેસ    કાર માટેની જગ્યા
ગ્રોવેલ્સ 101, કાંદિવલી-ઈસ્ટ    ૬૫૦
ઇન્ફિનિટી મૉલ, અંધેરી-વેસ્ટ    ૩૨૪
ઇન્ફિનિટી મૉલ, મલાડ-વેસ્ટ    ૮૪૭
ઇનઑર્બિટ મૉલ, મલાડ-વેસ્ટ    ૭૬૯
ફીનિક્સ માર્કેટ સિટી, કુર્લા-વેસ્ટ    ૭૩૫
આર સિટી, ઘાટકોપર-વેસ્ટ    ૧૮૬૦
આર મૉલ, મુલુંડ-વેસ્ટ    ૪૦૦
ફીનિક્સ પેલેડિયમ, લોઅર પરેલ    ૧૧૦૦ પ્લસ

Mumbai mumbai news