બીજેપી-શિવસેના અને એમએનએસ બંધ રાખીને ગણેશોત્સવ નહીં બગાડે

17 September, 2012 08:21 AM IST  | 

બીજેપી-શિવસેના અને એમએનએસ બંધ રાખીને ગણેશોત્સવ નહીં બગાડે



ડીઝલ અને રાંધણગૅસની કિંમતમાં થયેલો વધારો અને મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રમાં એફડીઆઇનો વિરોધ કરવા ગુરુવારે એનડીએએ ભારત બંધનું એલાન કર્યું છે; પણ ગણેશોત્સવ હોવાને કારણે આ દિવસે મુંબઈમાં ભારત બંધ જેવું નહીં લાગે, કારણ કે ગુરુવારે ભગવી યુતિ બીજેપી-શિવસેના જબરદસ્તીથી લોકોને દુકાનો બંધ નહીં કરાવે તેમ જ વાહનવ્યવહાર પણ નૉર્મલ રહેશે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ પણ આ બંધમાં નહીં જોડાય એમ જાણવા મળે છે.

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘નૈતિક રીતે અમે એનડીએના ભારત બંધના સર્પોટમાં છીએ, પણ ગણેશોત્સવ હોવાથી અમે સામાન્ય માણસની ખુશી છીનવવા નથી માગતા. ભારત બંધને અમારો ટેકો રહેશે, પણ બંધ શિવસેના સ્ટાઇલમાં કરવામાં નહીં આવે. અમે બીજેપીના સ્ટેટ પ્રેસિડન્ટ સાથે પણ આ બાબતે વાત કરી છે અને તેમની સંમતિથી આ નિર્ણય લીધો છે.

બીજેપીના સ્ટેટ પ્રેસિડન્ટ સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘ભારત બંધને દિવસે અમે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને રોકીશું નહીં અને રસ્તા પર પસાર થનારા સામાન્ય માણસોને કોઈ હેરાનગતિ નહીં થાય. અમે શનિવારે રાતે મીટિંગ લીધી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ સક્રિય રીતે ભારત બંધ રાખવા અમને સપોર્ટ આપે. એફડીઆઇને કારણે વેપારીઓ અને દુકાનદારોને સૌથી વધુ નુકસાન થવાનું છે એટલે તેમના સપોર્ટથી ભારત બંધ રાખવામાં આવશે.’

ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં મુખ્ય છે. આ નિમિત્તે રાજ્યભરમાં ઉત્સાહનું વાતાવરણ હોય છે એટલે એમએનએસ ભારત બંધમાં સહભાગી નહીં થાય.

પબ્લિક સર્વિસ ચાલુ રહેશે

ગુરુવારે ભારત બંધને દિવસે લોકલ ટ્રેન, બસ અને સાર્વજનિક વાહનો નિયમિત પ્રમાણે ચાલુ રહેશે. ગણેશોત્સવ હોવાને કારણે મુંબઈથી કોંકણ તરફ જતી બસો પણ ચાલુ રાખવામાં આવશે. કોઈ પણ પ્રવાસીને તકલીફ નહીં થાય.

કોઈ મતભેદ નથી

ભારત બંધમાં શિવસેના સામેલ ન હોવાને કારણે એનડીએમાં મતભેદના સમાચાર વહેતા થતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘એવી કોઈ વાત નથી. એનડીએમાં સામેલ તમામ પાર્ટીઓએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો.’

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, બીજેપી = ભારતીય જનતા પાર્ટી