થાણેના વિધાનસભ્ય સામે આઠ મહિના બાદ પણ કાર્યવાહી નહીં

24 October, 2012 07:58 AM IST  | 

થાણેના વિધાનસભ્ય સામે આઠ મહિના બાદ પણ કાર્યવાહી નહીં



બાંધકામના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં થાણેના એક સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક દોષી હોવાનું જણાવતો એક અહેવાલ થાણે મહાનગરપાલિકાએ આઠ મહિના પહેલાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને મોકલ્યો હોવા છતાં તેમની સામે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

૨૬ જુલાઈ, ૨૦૧૧એ થાણે મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ મુખ્ય પ્રધાનને એક ફરિયાદ મોકલાવી હતી, જેમાં થાણેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને તેમના સાથીઓ ગેરકાયદે બાંધકામ અને એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)ના દુરુપયોગમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ મુખ્ય પ્રધાને થાણે મહાનગરપાલિકાને આ ફરિયાદ વિશે તપાસ કરીને માહિતી આપવા જણાવ્યું હતું. થાણેના કમિશનર આર. એ. રાજીવે ૭ ડિસેમ્બર, ૨૦૧૧એ પોતાનો તપાસ અહેવાલ મોકલી આપ્યો હતો, જેમાં પ્રતાપ સરનાઈકના અત્યંત નજીકના સાથીદારે વર્તકનગરમાં આવેલા છાબરિયા પાર્ક રેસિડેન્શિયલ કૉલોનીમાં બે બિલ્ડિંગોને ગ્રાઉન્ડ પ્લસ ૯ માળના બિલ્ડિંગને બદલે ગેરકાયદે બાંધકામ અને એફએસઆઇનો દુરુપયોગ કરીને ૧૩ માળનું બિલ્ડિંગ બાંધી દીધું હતું.

થાણેના કમિશનર આર. એ. રાજીવે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને મગાવેલો અહેવાલ તેમને મોકલી આપવામાં આવ્યો છે અને હવે તેમના નિર્દેશની રાહ જોવામાં આવી રહી છે.’

બીજી તરફ જેમની સામે આ રિપોર્ટમાં આંગળી ચીંધવામાં આવી છે તે પ્રતાપ સરનાઈકે પોતાને આ બાબતે કશી જ જાણ ન હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ‘છાબરિયા પાર્કમાં મારી એક ઑફિસ છે, બાકી એફએસઆઇના ઉલ્લંઘન વિશે મને કોઈ જ જાણ નથી. એફએસઆઇના કથિત દુરુપયોગમાં મારી કોઈ સંડોવણી નથી.’