નિત્યાનંદનગરનો રસ્તો બન્યો છે અત્યંત જોખમી

05 September, 2012 06:56 AM IST  | 

નિત્યાનંદનગરનો રસ્તો બન્યો છે અત્યંત જોખમી

ઘાટકોપરના એલબીએસ માર્ગથી ઈસ્ટર્ન એક્સપ્રેસને જોડતા રોડ પર ૫૦ ફૂટના અંતરમાં લગાડવામાં આવેલા પેવર બ્લૉક્સમાં એકાદ વર્ષથી ગૅપ પડી ગયો છે અને એના મૂળ સ્થાનેથી ઉપર-નીચે થઈ ગયા છે. એમાં બાકી હોય તેમ ૨૭ ઑગસ્ટથી શરૂ થયેલા વરસાદમાં આ ૫૦ ફૂટના અંતરના રસ્તાના બન્ને છેડા પરના પેવર બ્લૉક્સ ઊખડી જવાને લીધે આ જગ્યા પર મોટા ખાડા પડી ગયા છે જેને લીધી આ જગ્યા પર અનેક બાઇકસવારો પડી જવાના અને નાની, લો-લેવલનું ફ્લોરિંગ ધરાવતી કારને નુકસાન પહોંચવાની ફરિયાદ વધી ગઈ હતી. આ રસ્તા પરના ટ્રાફિકને જોતાં સ્થાનિક રહેવાસીઓની આ રસ્તાનું તાત્કાલિક અને વ્યવસ્થિત રિપેરિંગ કરવાની માગણી જોર પકડી રહી છે.

આ રસ્તાની ફરિયાદ કરતાં આ વિસ્તારમાંથી રોજ પોતાની કારમાં પસાર થતા કાંદા-બટાટાના વેપારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એલબીએસ માર્ગ અને ઈસ્ટર્ન એક્સપ્રેસને જોડતા નિત્યાનંદનગરના નામે જાણીતો રસ્તો આમ તો સિમેન્ટ-કૉન્ક્રીટનો છે જેમાં પ૦ ફૂટના અંતર પર પેવર બ્લૉક્સ લગાડવામાં આવ્યા છે. એ ઊખડી જવાને કારણે ચોમાસામાં ઈસ્ટ-વેસ્ટને જોડતા ૫૦ ફૂટના અંતરના રસ્તા પર પાણી ભરાઈ જવાની ફરિયાદો તો છે જ. એવી જ રીતે એલબીએસ માર્ગ તરફના સિગ્નલ પાસે લાગેલા પેવર બ્લૉક્સ પણ ઊખડી ગયા છે. એમાં રવિવારે ૨૭ ઑગસ્ટના મુશળધાર વરસાદમાં આ ઈસ્ટ-વેસ્ટને જોડતા રસ્તાના બન્ને છેડા પર પેવર બ્લૉક્સ ઊખડી જવાથી ખાડા પડી ગયા છે. આ રસ્તા પર પસાર થતી વખતે અનેક બાઇકસવારો ઊછળીને પડતા જોવા મળે છે. નાની, લો-લેવલનું ફ્લોરિંગ ધરાવતી કારને નુકસાન પહોંચે છે.’

ઈસ્ટમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા અન્ય વેપારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ સ્પૉટ મુખ્ય રસ્તાના લેવલિંગમાં પહેલેથી જ નથી બનાવવામાં આવ્યો. એને લીધે આમ પણ અહીં બાઇક, રિક્ષા અને કાર ઊછળવાની ઘટના બનતી જોતાં જ હોઈએ છીએ. લેવલિંગમાં રસ્તો ન હોવાથી આ રસ્તા પર ટ્રાફિક જૅમ થવાની પણ સમસ્યા છે જે ખાડા પડવાથી વધી ગઈ છે. આ રસ્તા પર નાનાથી લઈને હેવી વેહિકલ્સનો ખૂબ ધસારો રહે છે. આ રસ્તાનું તાત્કાલિક અને વ્યવસ્થિત રિપેરિંગ કામ હાથ નહીં ધરવામાં આવે તો આ રસ્તો આગળ જતાં અંધેરી લિન્ક રોડ સાથે જોડાશે પછી તો અહીં વધુ સમસ્યાઓ સર્જાશે.’