‘વરસાદમાં પલળવું એ સારા રાજકીય ભાવિનો સંકેત છે’-ગડકરી

03 November, 2019 10:11 AM IST  |  મુંબઈ

‘વરસાદમાં પલળવું એ સારા રાજકીય ભાવિનો સંકેત છે’-ગડકરી

નીતિન ગડકરી

વિલે પાર્લેમાં કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીની ખુલ્લા મંચ પર મુલાકાતના એક કાર્યક્રમ દરમ્યાન અચાનક વરસાદ પડવા માંડ્યો ત્યારે એ મોકાનો ઉપયોગ ગડકરીએ વિપક્ષો તરફ કટાક્ષ માટે કર્યો હતો. વરસાદ પડવા માંડ્યો ત્યારે બે જણ નીતિન ગડકરીની પાસે છત્રી લઈને પહોંચી ગયા હતા. એ વખતે ગડકરીએ કહ્યું કે ‘વરસાદમાં પલળવું એ સારા રાજકીય ભાવિનો સંકેત છે.’
વિધાનસભાની ચૂંટણીના પ્રચારના દિવસોમાં એનસીપીના પ્રમુખ ૭૯ વર્ષીય શરદ પવાર પક્ષના એક ઉમેદવારની પ્રચાર સભામાં વરસાદમાં ભીંજાઈ ગયા હોવાનો વિડિયો અને તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. ત્યારપછી ચૂંટણીનાં પરિણામોમાં એનસીપીને નોંધપાત્ર સફળતા મળી હતી. પવાર ભીંજાવાના એ પ્રસંગ તરફ નીતિન ગડકરીએ ગઈ કાલે કટાક્ષ કર્યો હતો.

કમોસમી વરસાદ મુદ્દે બોલાવેલી બેઠકમાં શિવસેનાની ગેરહાજરી
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અંગે મહત્ત્વની બેઠક બોલાવી, પરંતુ આ બેઠકમાં શિવસેનાના એક પણ નેતાઓ હાજર ન રહ્યા. અરબી સમુદ્રમાં મહા વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રમાં શિવેસનાને દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ પણ આ બેઠકમાં હાજરી ન આપી.

રાજ ઠાકરેની શરદ પવાર સાથે ગુફ્તેગૂ
મહારાષ્ટ્રમાં સરકાર રચવાની અનિશ્ચિતતા વચ્ચે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ૧૦ મિનિટની એ મુલાકાતની ચર્ચાની વિગતો પ્રાપ્ત થઈ નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મનસેએ ફક્ત એક કલ્યાણ (ઈસ્ટ)ની બેઠક જીતી છે. બીજેપી સરકાર બહુમતી સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય તો અન્ય પક્ષોની સરકારની રચનામાં એક બેઠક પણ ગણતરીમાં આવી શકે એ સ્થિતિમાં રાજ ઠાકરે અને શરદ પવારની મુલાકાત મહત્ત્વપૂર્ણ ગણાય છે.

અંત સુધી ગઠબંધન ધર્મ નિભાવીશું: શિવસેના
મહારાષ્ટ્રમાં સીએમપદને લઈને ચાલી રહેલી ખેંચતાણમાં બીજેપી પ્રત્યે હવે શિવસેનાનું વલણ નરમ પડતુ જોવા મળી રહ્યું છે. શિવસેનાએ કહ્યું કે તેણે વાતચીત ક્યારેય નથી રોકી અને તે ગઠબંધન ધર્મનું પાલન કરશે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે સેનાએ ગઠબંધનમાં રહેતા વિધાનસભા ચૂંટણી લડી હતી અને અમે અંતિમ સમય સુધી ગઠબંધન ધર્મનું પાલન કરીશું.

shiv sena mumbai nitin gadkari