28 July, 2025 10:15 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
નાગપુરમાં ‘સ્પોર્ટ્સ ઍઝ અ કરીઅર’ના કાર્યક્રમમાં બોલતી વખતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘કરીઅર બનાવવા પર ધ્યાન આપો. જ્યારે તમારા સારા દિવસો હશે ત્યારે બધા તમારી વાહવાહી કરશે, પણ જ્યારે ખરાબ દિવસો આવશે તો કોઈ નહીં પૂછે. હું કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નથી, પણ ફાઇનૅન્શિયલ એક્સપર્ટ જરૂર છું. મને ખબર છે કે કામ કઈ રીતે કરાવાય. છતાં કહીશ કે મારી ઇચ્છા હતી કે નાગપુરમાં હું ૩૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, પણ ૪ વર્ષના અનુભવ પછી મને સમજાયું કે સરકાર બહુ ‘નિકમ્મી’ હોય છે. કૉર્પોરેશનના ભરોસે કોઈ કામ થતું નથી. એ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરી નાખે એવા એક્સપર્ટ હોય છે. બધું સરકારના ભરોસે ન થાય. મારું કહેવું છે કે સરકારને દૂર રાખો. સરકાર વિષકન્યા જેવી હોય છે. જેની સાથે જાય એને ડુબાડી દે છે.’
સ્પોર્ટ્સ સ્ટેડિયમ ઊભું કરવામાં આવેલી તકલીફો બાદ નીતિન ગડકરીએ લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘દુબઈથી એક વ્યક્તિ આવી છે. તે ત્યાં પ્રાઇવેટ સ્ટેડિયમ ચલાવે છે. એવું નક્કી કર્યું છે કે અમે તેમને ૧૫ વર્ષ માટે જગ્યા આપીશું. બાકી પાણી, લાઇટ, કપડાં બદલવાની વ્યવસ્થા એ બધું અમે કરીશું અને જે લોન હશે તે એ મેઇન્ટેઇન કરશે. અહીં બાળકોને માસિક ૫૦૦થી ૧૦૦૦ રૂપિયાની મામૂલી ફી લઈને સ્પોર્ટ્સ શીખવવામાં આવશે. મફતમાં કંઈ પણ આપવું ન જોઈએ. હું મફતમાં કોઈને કંઈ નથી આપતો.’