રાજ્યના પ્રધાન પર વ્યંગ કર્યો એટલે મારી સામે એફઆઇઆરઃ નીતેશ રાણેનો કોર્ટમાં દાવો

13 January, 2022 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના ધારાસભ્ય નીતેશ રાણેએ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો

બીજેપીના ધારાસભ્ય નીતેશ રાણેએ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ બીજેપીના ધારાસભ્ય નીતેશ રાણેએ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ગયા મહિને વિધાનસભા સંકુલની બહાર ઠેકડી ઉડાવવાના કથિત બનાવથી મહારાષ્ટ્રના શાસક પક્ષને અપમાનની લાગણી થતાં રાજ્ય સરકાર દ્વારા મારી સામે હત્યાના પ્રયાસના આરોપસર એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.
શિવસેનાના ધારાસભ્યએ ગયા મહિને આક્ષેપ કર્યો હતો કે સેનાના નેતા અને રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરે મુંબઈમાં વિધાન ભવનના બિલ્ડિંગની અંદર જઈ રહ્યા હતા ત્યારે નીતેશ રાણેએ ‘મ્યાઉં... મ્યાઉં...’નો અવાજ કર્યો હતો.
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેએ સિંધુદુર્ગના કણકવલી પોલીસ દ્વારા ગયા મહિને એમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ મામલે ચાલુ મહિનાના પ્રારંભમાં હાઈ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા.
આ કેસ સિંધુદુર્ગ જિલ્લા કો-ઑપરેટિવ બૅન્કની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન સ્થાનિક શિવસેના કાર્યકર પર કથિત હુમલાને લગતો છે.
નીતેશ રાણેના વકીલ નીતિન પ્રધાને બુધવારે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ‘મોકિંગના બનાવ બાદ ધારાસભ્યને બૅન્કની ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવા માટે તેમની સામે એફઆઇઆર નોંધાવવામાં આવ્યો હતો.’

mumbai