ગુજરાતીઓને કાયમ માટે હટાવીને હું મુંબઈ સાફ કરવા માગું છું : નીતેશ રાણે

07 November, 2014 03:21 AM IST  | 

ગુજરાતીઓને કાયમ માટે હટાવીને હું મુંબઈ સાફ કરવા માગું છું : નીતેશ રાણે





નારાયણ રાણેના વિધાનસભ્ય પુત્ર નીતેશ રાણેએ ફરી એક વાર ગુજરાતીવિરોધી નિવેદન આપ્યું છે. નીતેશે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મિશન મુંબઈથી શરૂ કરવા ઇચ્છું છું અને મુંબઈમાંથી મરાઠીઓને ધિક્કારતા ગુજરાતીઓને કાયમ માટે ધકેલી દઈને મુંબઈને સાફ કરવા માગું છું.

આ ટ્વીટ પર લોકોની આકરી પ્રતિક્રિયા મળતાં તેણે વધુ એક ટ્વીટ કરી કે ‘મરાઠીઓ સામે ગુજરાતીઓ દરરોજ આવી ભાષા બોલે છે, પરંતુ મારા નિવેદન પર આટલો બધો હોબાળો શા માટે થયો છે? ધિક્કારની ભાષા વાપરતા ગુજરાતીઓ સામે કોઈ કેમ બોલતું નથી?’

નીતેશ રાણેનો ઇશારો એ તરફ હતો જેમાં મરાઠીઓને ગુજરાતીઓના ગુલામ ગણાવવામાં આવ્યા હતા. તેણે એ ટ્વીટનો સ્ક્રીન શૉટ લઈને ફરી ટ્વીટ કરી કે ‘હવે આને શું કહેશો? મહારાષ્ટ્રમાં રહીને મરાઠી લોકોને ગાળો આપશો?’

પોતાના નિવેદનની ટીકા થતાં નીતેશે હુંકાર કરતાં જણાવ્યું હતું કે હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ અને જો ત્યાંથી એનો ઉકેલ નહીં મળે તો એને હું રસ્તા પર લઈ જઈશ.

કૉન્ગ્રેસે કહ્યું કે વાત કરીશું


વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા માણિકરાવ ઠાકરેએ આ નિવેદનથી પાર્ટીને અલગ કરતાં જણાવ્યું હતું કે ‘આવા નિવેદન સાથે પાર્ટી સહમત નથી. કૉન્ગ્રેસ આવાં નિવેદનોને પરવાનગી આપતી નથી. હું આ વિશે નીતેશ સાથે વાતચીત કરીશ, પરંતુ આ કૉન્ગ્રેસનો મત નથી.’

કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ આ ટ્વીટને અક્ષમ્ય ગણાવી હતી.

અગાઉનો વિવાદ


નીતેશ રાણેએ આ અગાઉ પણ ગુજરાતીઓ મુંબઈ પર ક્બજો મેળવવા ઇચ્છે છે એવું વિધાન કરીને વિવાદને જન્મ આપ્યો હતો. એ વખતે તેણે ટ્વીટ કરી હતી કે ‘અમે શાંતિથી રહેતા ગુજરાતીઓની વિરુદ્ધ નથી, પરંતુ જે ગુજરાતીઓ શહેર પર અંકુશ ધરાવવા માગે છે તેમની વિરુદ્ધ છીએ. મરાઠીઓને મુંબઈમાં કોઈ ફ્લૅટ આપતું નથી, કારણ કે તેઓ માંસાહારી છે. આ પ્રથા ચાલુ રહી તો સાફસફાઈ કરવી પડશે.’

BJPએ શું કહ્યું?

નીતેશને ધિક્કારની રાજનીતિના પ્રતીક ગણાવીને મહારાષ્ટ્ર BJPનાં ખજાનચી શાઇના એન.સી.એ કહ્યું હતુ કે ‘એ સમય પાકી ગયો છે કે એક રાજ્ય તરીકે આપણે વિચારવું રહ્યું કે જે લોકો હંમેશાં મુસીબતો પેદા કરતા હોય તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આવા લોકો વિભાજનની રાજનીતિ કરીને માત્ર મુસીબતો નોતરતા હોય છે.’

નીતેશના નિવેદનનો તીવ્ર વિરોધ કરતાં BJPના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે ‘આ જ માનસિકતાને કારણે મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ કૉન્ગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું છે. કૉન્ગ્રેસ અને એના નેતાઓની આ જ વિચારસરણી હોય તો મને લાગે છે કે દેશભરમાંથી કૉન્ગ્રેસ ધોવાઈ જશે અને કૉન્ગ્રેસમુક્ત ભારતનું અમારું સપનું સાકાર થશે.’