નોકરીના નામે કોઈ વડાપાંઉ વેચાવડાવે તો કોઈ પીત્ઝા-બર્ગર

13 October, 2011 08:44 PM IST  | 

નોકરીના નામે કોઈ વડાપાંઉ વેચાવડાવે તો કોઈ પીત્ઝા-બર્ગર

 

 

વરુણ સિંહ

એલ્ફિન્સ્ટન રોડ, તા. ૧૩

ગઈ કાલે જ્યારે નીતેશે પોતાના આ લક્ષ્યને પૂરો કરવા માટે એલ્ફિન્સ્ટન રોડ પર આવેલા કામદાર સ્ટેડિયમમાં જૉબ ફેરનું આયોજન કર્યું હતું ત્યારે લગભગ ૨૫ હજાર યુવાનોને નોકરી મળી હતી. મોટા ભાગની આ નોકરીઓ વડાપાંઉના સ્ટૉલની નહોતી, પણ લગભગ એની સમકક્ષ જ ગણાય એવી પીત્ઝા ડિલિવરીની અથવા તો બર્ગર સર્વિંગની હતી.

આ ફેરમાં જે ગુણવત્તાવાળી નોકરીઓ ઑફર કરવામાં આવી હતી એને કારણે કેટલાક ઉમેદવારોને ભારે આઘાત લાગ્યો હતો. ઇન્ડિયન ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)માં અભ્યાસ કરી ચૂકેલા વિનોદ ગાવડેને અહીં તેના અભ્યાસ પ્રમાણે નોકરીની તક નહોતી મળી. પોતાનો અનુભવ જણાવતાં તેણે કહ્યું હતું કે અહીં મોટા ભાગની નોકરીઓ મારી ડિગ્રીને અનુરૂપ ન હોય એવી હાઉસકીપિંગની કે પછી એના જેવી જ હતી એટલે મેં કોઈ નોકરીની પસંદગી નથી કરી.

આવું જ કંઈક થયું પ્રશાંત માલુસરે સાથે. પ્રશાંત પાસે હાલમાં આઠ હજાર રૂપિયાનો પગાર આપતી નોકરી તો છે અને તેને ચાર વર્ષનો કામનો અનુભવ હોવા છતાં જૉબ ફેરમાં તેને છ હજાર કરતાં વધારે પગારવાળી નોકરીનો વિકલ્પ નહોતો મળી શક્યો. જોકે કેટલીક વ્યક્તિઓને જૉબ ફેરથી ફાયદો પણ થયો છે. બૅચલર ઑફ આર્ટ્સના બીજા વર્ષના વિદ્યાર્થી સાગર કદમે કહ્યું હતું કે નોકરી વગરના હોવા કરતાં કોઈ પણ નોકરી કરવી વધારે સારી.

રાજકીય પક્ષ શિવસેનાએ નીતેશ રાણેના આ પ્રયાસની ટીકા કરી છે. પક્ષના પ્રવક્તા રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘આ પ્રયાસ એક ફારસ છે. નીતેશને પોતાને ઉદ્યોગ કઈ રીતે શરૂ કરવો એની ખબર નથી તો તે બીજા લોકોને કઈ રીતે સારી નોકરી અપાવી શકે? તેના પિતા અનેક વગદાર કંપનીઓમાં ઓળખાણ ધરાવે છે તો તે આ કંપનીઓમાં સામાન્ય માણસને કામ મળે એ માટેના પ્રયાસો શું કામ નથી કરતો?’

આ ટીકાના જવાબમાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘અમે એવા સ્ટૉલ નથી આપી રહ્યા જે ગેરકાયદે હોય. અમે લોકોને નોકરીઓ અપાવી રહ્યા છે જેના પગારમાંથી તેમને ઘર ચલાવવામાં મદદ મળશે. બીજા પક્ષો તો માત્ર નોકરીનાં એવાં વચનો આપે છે જે ક્યારેય પૂરાં નથી થતાં.’

જૉબ ફેર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં

નીતેશ રાણેની બિનસરકારી સંસ્થા સ્વાભિમાન સંગઠને યોજેલા જૉબ ફેરમાં એક જ દિવસમાં પચીસ હજાર અપૉઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હોવાની નોંધ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં લેવાઈ છે એવી સત્તાવાર જાહેરાત આ રેકૉર્ડની નોંધ રાખતી સંસ્થાના પ્રતિનિધિ રોબ મોલીએ કરી છે અને જણાવ્યું છે કે આ નવી કૅટેગરીનો નવો રેકૉર્ડ છે.