મુલુંડના નિર્મલ ગૅલેક્સીનું પ્રાંગણ જાણે અયોધ્યાનગરીમાં પલટાયું

25 November, 2012 04:47 AM IST  | 

મુલુંડના નિર્મલ ગૅલેક્સીનું પ્રાંગણ જાણે અયોધ્યાનગરીમાં પલટાયું



મુલુંડ (વેસ્ટ)ના વીણાનગરના દેરાસરમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓથી ૧૦૮ આદિનાથ પ્રભુનાં તીર્થોની પ્રતિમાની અંજનશલાકા માટે ચહલપહલ ચાલી રહી છે. આ ઉત્સવમાં

પ્રવચન-પ્રભાવક પ. પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનમાં સમસ્ત મુલુંડના સંઘોના યુવાનો જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.

ગઈ કાલે સવારે ઉત્સવમાં જળયાત્રા વિધાન માટે મહિલાઓ સોના-ચાંદીના કળશો અને તાંબાનાં બેડાં લઈને નેમિનાથ જિનાલય પાસેના કૂવા પર ગઈ હતી. ત્યાં જળદેવતાની આહ્વાનવિધિ કરીને તેમના દ્વારા જળગ્રહણ કરવામાં આવ્યું હતું. એ સમયે ત્યાં રહેલી ૧૫૦થી અધિક ગાયોનું ગોળથી મોઢું મીઠું કરાવી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે નિર્મલ ગૅલેક્સીનું વિશાળ પ્રાંગણ અયોધ્યાનગરીમાં પલટાઈ ગયું હતું. આ પ્રસંગે વિધિકારક અરવિંદ ચૌરડિયા ખાસ ઇન્દોરથી પધાર્યા હતા. તેમના દ્વારા ગઈ કાલે સવારે કુંભસ્થાપન, દીપકસ્થાપન, જ્વારારોપણ, માણેકસ્તંભ, મંગલતોરણ, ભૈરવપૂજન, ક્ષેત્રપાલપૂજન, વેદિકાપૂજન તથા સોળ વિદ્યાદેવીનું પૂજન કરવામાં આવ્યું હતું. એ સિવાય આ પ્રસંગે આખો દિવસ નિર્મલ ગૅલેક્સીમાં સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી, જેનો લાભ ઘોઘાવાળા પરિવારનાં સુભદ્રા રસિકલાલ શાહે લીધો હતો. આ ઉત્સવમાં ડાયમન્ડકિંગ ભરત શાહે પણ હાજરી આપી હતી, જેઓ પાર્શ્વપુરમના ચમત્કારિક પ્રભુજીને જોઈ ખૂબ ખુશ થઈ ગયા હતા.

ભવ્ય શણગાર અને કલા સાથે ૧૦૮ પ્રભુજી વિવિધ કૉન્સેપ્ટ સાથે સજાવેલા હોવાથી મુલુંડના એલબીએસ રોડ પર ભક્તો ગઈ કાલથી અયોધ્યાનગરી તરફ મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા હતા. આ ઉત્સવમાં ભવ્ય રંગોળીઓ પણ બનાવવામાં આવી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉત્સવમાં પાર્શ્વનાથ ભગવાન ૨૩મા ર્તીથંકર હોવાથી ૨૩ લકી ડ્રૉ પણ રાખવામાં આવ્યા છે. એમાં ભક્તોને અલગ-અલગ ભેટો આપવામાં આવશે.

આજનો કાર્યક્રમ

આજે પાર્શ્વનાથદાદાની પ્રતિમા ભરાવવાની ઉછામણી સામૂહિક જાપના કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવશે. ક્ષેત્રપાલ, નવગ્રહ, દસ દિક્પાલ, ધરણેન્દ્ર, પદ્માવતી, અષ્ટમંગલ તેમ જ ૧૬ વિદ્યાદેવીથી યુક્ત ત્રણ ટનના વજનવાળી આ ભવ્ય પ્રતિમા નીલા રંગની છે જે અતિ ભવ્ય રૂપ દર્શાવે છે. આ પ્રતિમાને મુંબઈ-ગોવા રોડ પર માનગાંવ પાસેના અલસુંદે ગામમાં નવનિર્મિત થનારા શ્રી પાર્શ્વપુરમ્ તીર્થ (જૈન નૉલેજ સિટી)માં ૧૨ ડિસેમ્બરે બિરાજમાન કરવામાં આવશે.

એલબીએસ માર્ગ = લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ