✕

ખાટુ શ્યામ બાબાનાં દર્શનેથી પાછા આવતા ધુળેના પરિવારના ૯ સભ્યોનો અકસ્માતે લીધો ભોગ

23 November, 2026 07:30 AM IST  |  Dhule | Gujarati Mid-day Correspondent

ઝોકું આવતાં ડ્રાઇવરે ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી

અકસ્માતનો ભોગ બનેલા પવાર કુટુંબના સભ્યો.

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર ચિત્તોડગઢમાં શંભુપુરા પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્રના ધુળેના એક જ કુટુંબના ૯ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. શનિવારે મધરાતે બે વાગ્યે થયેલા આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા અન્ય ૮ જણ ગંભીરરૂપે જખમી થયા હતા. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવતાં મલ્ટિ યુટિલિટી વ્હીકલ (MUV) ક્રૂઝર હાઇવે પર ઊભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત થયો હોવાનું જણાયું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જખમી થયેલાઓને તાત્કાલિક નજીકમાં આવેલી કોટાની નવીન ચિકિત્સાલય મેડિકલ કૉલેજ પરિસરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજેશ જોશીએ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ડ્રાઇવર સહિત ૧૭ જણને લઈ જતું વાહન મધરાત્રે શંભુપુરા પાસે એક ટ્રક સાથે અથડાયું હતું જેમાં ૯ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ખાટુ શ્યામનાં દર્શન કરીને તે લોકો મહારાષ્ટ્ર પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ બધા જ એક જ કુટુંબના હતા. હાલ અમારી પ્રાથમિકતા જખમી થયેલાઓને યોગ્ય સારવાર મળે અને તેઓ જલદી સાજા થાય એ જોવાની છે.’

રાષ્ટ્રપતિ, વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો, બે લાખની સહાય જાહેર કરી 
આ ઘટના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામનારા પ્રત્યેકનાં સગાં-વહાલાને બે લાખ રૂપિયાની સહાય તથા જખમી થયેલાઓને ૫૦,૦૦૦ રૂપિયા પ્રાઇમ મિનિસ્ટર્સ નૅશનલ રિલીફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી તથા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

તીર્થયાત્રાએ નીકળેલા પવાર કુટુંબ પર વજ્રઘાત
આ ઘટના બાદ આખા પવાર કુટુંબમાં શોકનું વાતાવરણ છે. પવાર કુટુંબના એક સભ્ય પ્રદીપે જણાવ્યા અનુસાર તેમના કુટુંબના ૩૬ સભ્યો ૩ MUVમાં ૧૭ નવેમ્બરે ઓમકારેશ્વર, ઉજ્જૈન, સાંવરિયા સેઠ, પુષ્કર, સાલાસર બાલાજી તથા ખાટુ શ્યામનાં દર્શન માટે નીકળ્યા હતા જેમાંથી એક કારનો અકસ્માત થતાં કુટુંબ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

mumbai news mumbai maharashtra news dhule road accident maharashtra