Navratri 2020:અષ્ઠમીની રાતનો કંઈક આવો હતો માહોલ...

25 October, 2020 03:02 PM IST  |  Mumbai | Keval Trivedi

Navratri 2020:અષ્ઠમીની રાતનો કંઈક આવો હતો માહોલ...

આર્ટિકલની તમામ તસવીર રાતના સમયે લેવાઈ હતી

દર વર્ષે નવરાત્રીના ગરબાનો ક્રેઝ હોય છે અને છેલ્લા દિવસની રાતની મજા જ કંઈક અલગ હોય છે. દર વર્ષે મુંબઈમાં આખી રોનક દેખાતી હોય છે. રાતથી જ ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી બનવાની તૈયારી થઈ જતી હોય છે. રસ્તાઓમાં ટ્રાફિક પણ દેખાતો હોય છે. મુંબઈ પોલીસ પણ આ રાતે વધુ સતર્ક રહેતી હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કહેરને લીધે મુંબઈના રસ્તાઓમાં દર વર્ષ જેવો ઉત્સાહ નહોતો એવુ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે નોંધ્યું હતું.

દહિંસર પૂર્વના એસ.વી.રોડ સ્થિત જય અંબે માતા મંદિરમાં દર વર્ષ કરતા ઓછા લોકો જોવા મળ્યા હતા. દહિંસરથી અંધેરીના વિસ્તારમાં દર વર્ષની સરખામણીએ ગઈ કાલે રાત્રે વાહનોની અવરજવર રાતના એક વાગ્યા બાદ લગભગ ના સરખી જ હતી. તહેવાર હોવા છતાં જાણે સામાન્ય દિવસ હોય એ રીતે રાતના મુંબઈના રસ્તાઓ સૂના પડ્યા હતા.

ચારકોપમાં જય અંબે માતા સેવા મંડળે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોની સંખ્યા ઓછી છે, જોકે જે પણ દર્શન કરવા આવે છે તે સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરે જ છે.

અમૂક સ્થળોએ પોલીસની નાકાબંધી જોવા મળી હતી. કોરોનાના કહેરમાં પણ મુંબઈ પોલીસની નાકાબંધી અમૂક સ્થળોએ જોવા મળી હતી. પોલીસ અધિકારીઓ પણ માસ્ક પહેરીને અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરીને રાતના ડ્યૂટી કરી રહ્યા હતા. ઘણા સ્થળોએ રસ્તા ઉપર પોલીસના બેરિકેડ્સ ઉભા કરવામાં આવ્યા હતા.

પોલીસ પેટ્રોલિંગ પણ સક્રિય હતું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને પોલીસે નોંધ્યું કે રાતના ઘણા લોકો માસ્ક પહેરતા નહોતા, આથી ડ્યૂટી પર હાજર પોલીસ અધિકારીઓએ અનુરોધ કર્યો કે વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરતા સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પણ પહેરવું જોઈએ.

દહિંસર પૂર્વમાં આદર્શ સ્વિટ્સના માલિક સુમિત ઠાકુરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, આ વર્ષે પહેલાની જેમ રાતથી જ તૈયારીઓ કરવાની ધમાલ નથી કારણ કે વેચાણ પહેલાથી જ 40 ટકા ઘટ્યુ હોવાથી અમે આ દશેરાએ એ હિસાબે જ ઉત્પાદન કરવાના છીએ.

મુંબઈના આર વોર્ડમાં રાતથી ફાફડા-જલેબી બનવાની શરૂઆત થઈ હતી.

સવારના સમયમાં લાઈન વધુ હોય એ વાતને ધ્યાનમાં રાખીને નાગરિકો પણ રાતથી જ ફાફડા-જલેબી પાર્સલ લઈ જતા હતા.

તેમ જ અમૂક નાગરિકો રાતના જ ફાફડા-જલેબીની મજા માણતા જોવા મળ્યા હતા.

ભરૂચા રોડ સ્થિત શ્રી અંબિકા સ્વીટ્સના પ્રવિણ ઠાકુરે પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, આ વખતે જાણે કોઈ ઉત્સાહ છે જ નહી. અગાઉ ટ્રેનો ચાલુ હતી તેથી દૈનિક ધોરણે વધુ ગ્રાહકો આવતા હતા પરંતુ હાલ ટ્રેનો તો બંધ હોવાથી ધંધામાં પણ મંદી છે. દશેરાની વાત કરીએ તો કોરોનાના કહેરમાં મુંબઈમાં ઘણા લોકોને પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે એવામાં દશેરાએ ફાફડા-જલેબી ખાવાનો ઉત્સાહ દર વર્ષ જેવો ન રહે એ તો સ્વાભાવિક છે.  

mumbai mumbai police