22 June, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૉર્ધર્ન હાઇટ્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ગઈ કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નૉર્ધર્ન હાઇટ્સમાં NH આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. સવારે સાત વાગ્યાથી સવાનવ વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં નાનાં બાળકોથી લઈ વૃદ્ધ નાગરિકો સુધી અનેક લોકોએ યોગ અને ધ્યાન દ્વારા સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
આ સત્રનું સંચાલન અનુભવી યોગશિક્ષિકા ભારતી સાવલા દ્વારા કરવામાં આવ્યું અને આર્ટ ઑફ લિવિંગના સિદ્ધાંતોથી પ્રેરણા પ્રાપ્ત ડૉ. ચિરાગ જાનીના માર્ગદર્શન હેઠળ યોજાયું.
પાયલ પટેલના નેતૃત્ત્વમાં સાંસ્કૃતિક ટીમનાં સભ્યો સુરભી માલિક, કવિતા બજરિયા અને જિજ્ઞા જાનીનો નોંધપાત્ર ફાળો રહ્યો. ટીમે યોગ માટે વિશાળ અને સ્વચ્છ જગ્યાની વ્યવસ્થા કરી હતી અને જરૂરિયાતમંદ માટે વધારાની યોગમૅટ્સ પણ ઉપલબ્ધ કરાવી હતી.
સત્રનું સમાપન ધ્યાન સાથે થયું અને પછી સેલ્ફી-બૂથ પર બધાએ યાદગાર ક્ષણો ક્લિક કરી હતી. અનેક રહેવાસીઓએ યોગ દ્વારા થતી તાણમુક્તિ અને શાંતિના અનુભવને વખાણ્યા, જ્યારે કેટલાકે યોગ દ્વારા મળતી લવચીકતા અને શરીરબળનો આનંદ લીધો.