16 June, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના પ્લેન સાથે બનેલી દુર્ઘટનાનાં કારણોમાં એક કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે શક્ય છે કે કોઈ પક્ષી પ્લેન સાથે અથડાયું હોય અને આ દુર્ઘટના બની હોય. હવે આ જ મુદ્દાને લઈને નવી મુંબઈમાં બની રહેલા નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે ઉલવેમાં આવેલી ગેરકાયદે મટન શૉપ્સ બંધ કરવા નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) નેટકનેક્ટે ફરી એક વાર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ને વિનંતી કરી છે.
નવી મુંબઈનું ઍરપોર્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે થોડુંઘણું કામ બાકી છે જે ટૂંક સમયમાં આટોપી લેવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં એ કમર્શિયલ ફ્લાઇટ માટે ચાલુ કરી દેવાનો પ્લાન છે. ઇન્ડિગો ઍરલાઇન્સ અને અકાસા ઍરલાઇને તો કહી પણ દીધું છે કે ઍરપોર્ટ ચાલુ થશે એટલે તેઓ એમની કેટલીક ફ્લાઇટો ત્યાંથી ચાલુ કરશે.
NGO નેટકનેક્ટનું કહેવું છે કે ‘નવી મુંબઈ ઍરપોર્ટના રનવેથી નજીક એવા ઉલવેમાં ઘણીબધી મટન શૉપ ગેરકાયદે ચાલી રહી છે. બને છે એવું કે પક્ષીઓ એ મટન શૉપે ફગાવી દીધેલાં પ્રાણી-પક્ષીનાં અંગો અને અવયવો ખાવા ઊતરી આવતાં હોય છે. એમાં સમડી અને અન્ય પક્ષીઓ પણ હોય છે. વળી આ પક્ષીઓ ઍરોડ્રોમના વિસ્તારમાં ઉડાઉડ કરતાં હોવાથી પ્લેન સાથે એમના ટકરાવાની શક્યતાઓ વધી જાય છે. એથી એ માટે તરત પગલાં લઈને એ ગેરકાયદે ચાલતી મટન શૉપ્સ બંધ કરવામાં આવે. આ માટે તેમણે પહેલાં પણ અરજી કરી હતી.’
થાણેમાં ૨૩ વર્ષના યુવક પર ગોળી ચલાવવાના કેસમાં ચારની ધરપકડ
થાણેના વીર સાવરકર નગરમાં ૨૩ વર્ષના યુવક સામે ફાયરિંગ કરનાર ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. વર્તકનગર પોલીસે આપેલી માહિતી મુજબ યુવક મિત્રો સાથે દારૂ પીતો હતો ત્યારે આરોપીએ આવીને તેની સાથે ઝઘડો કર્યો હતો. વાત વધી જતાં આરોપીએ બંદૂક કાઢીને ગોળી ચલાવી દીધી હતી, પણ યુવકે ત્યાંથી ખસી જઈને જીવ બચાવી લીધો હતો. આ કેસમાં હત્યાનો પ્રયત્ન કરવા બદલ અને ગુનાહિત કાવતરું રચવાના આરોપ હેઠળ ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એમ વર્તકનગર પોલીસે જણાવ્યું હતું.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૨૨ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૪૦ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૪૦