NextGen Intro : જબ વી મેટ ફિલ્મ મેં અસંખ્ય વાર જોઈ છે

02 November, 2012 07:08 AM IST  | 

NextGen Intro : જબ વી મેટ ફિલ્મ મેં અસંખ્ય વાર જોઈ છે



રુત્વી શાહ

નામ : રુત્વી શાહ

ઉંમર : ૧૫ વર્ષ

ધોરણ : દસમું

સ્કૂલ : સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ, કાંદિવલી

માધ્યમ : અંગ્રેજી

સરનામું : કાંદિવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા : અલ્પા-ગૌરાંગ

ફેવરિટ વિષયો


સ્કૂલમાં મૅથ્સ અને હિસ્ટરી મારા માનીતા વિષયો છે, કારણ કે આ બે વિષયોમાં હું હંમેશાં સ્કોર કરતી આવી છું. સામાન્ય રીતે લોકોને મૅથ્સમાં ઍલ્જિબ્રા વધારે ગમતું હોય છે, પરંતુ મારું ઊંધું છે; મને જ્યૉમેટ્રી વધુ માફક આવે છે. એનું કારણ એ છે કે ઍલ્જિબ્રા વધુ સૉલ્વ ખૂબ કરવું પડે છે, જ્યારે જ્યૉમેટ્રીમાં એક વાર કૉન્સેપ્ટ સમજાય પછી દાખલો સૉલ્વ કરવામાં વાંધો આવતો નથી. હિસ્ટરીમાં મને ભૂતકાળની ઘટનાઓ વિશે જાણવાનું ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને એ ઘટનાઓની તારીખો યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે, પરંતુ મને એ બધું વાંચવાની જ એટલી મજા આવે છે કે તારીખો આપોઆપ યાદ રહી જાય છે. અલબત્ત દસમા ધોરણ પછી શું કરવું છે એ બાબતે હજી મારા મનમાં કન્ફ્યુઝન છે. મને શું ગમે છે એ હું પોતે જ સમજી શકતી નથી. તેથી મેં સ્કૂલ તરફથી કરીઅર કાઉન્સેલિંગની ગાઇડન્સ ટેસ્ટ આપી છે અને હવે હું એના પરિણામની રાહ જોઈ રહી છું.

ભણવા સિવાય

સ્કૂલ અને ક્લાસિસના અભ્યાસ ઉપરાંત મને ડાન્સિંગમાં ખૂબ રસ પડે છે. નવમા ધોરણમાં આવ્યા બાદ ભણવાનો ભાર ઘણો વધી ગયો હોવાથી છોડી દીધું, પરંતુ એ પહેલાં વર્ષો સુધી હું કાંદિવલીની વૉક ઍન્ડ રોલ નામની ડાન્સ ઍકૅડેમીમાં હિપહૉપ, વેસ્ટર્ન અને કન્ટેમ્પરરી વગેરે જેવાં ડાન્સ-ફૉમ્ર્સ શીખવા જતી હતી. એ સિવાય મારું ડ્રૉઇંગ પણ સારું છે અને મેં એની એલિમેન્ટરીની એક્ઝામ પણ આપી છે. એ સિવાય સ્કૂલ તરફથી મેં હિન્દી રાષ્ટ્રભાષા, મરાઠી પબ્લિક એક્ઝામ વગેરેની પરીક્ષાઓ પણ આપી છે.

નાની બહેન

મને મારાથી પાંચ વર્ષ નાની એક બહેન પણ છે. તે હાલ દસ વર્ષની છે અને તેનું નામ મોસમ છે. તેની સાથે મારી નાની-મોટી લડાઈ સતત ચાલુ જ હોય. છતાં મોટી હોવાને નાતે હું મારાથી બને એટલું તેનું ધ્યાન રાખવાનો પણ પ્રયત્ન કરું છું. ભણવાનું તો મોટા ભાગે તે મમ્મી સાથે બેસીને પતાવી લે છે, પરંતુ તેના સ્કૂલના પ્રોજેક્ટ્સમાં હું તેને બને તેટલી મદદ કરવાની કોશિશ કરું છું.

ફેવરિટ

અન્ય છોકરીઓની જેમ મને પણ ટીવી જોવું બહુ ગમે છે. અલબત્ત દસમામાં હોવાથી સ્કૂલ અને ક્લાસિસમાં જ એટલોબધો સમય જતો રહે છે કે દિવસનો કોઈ એક એવો નિશ્ચિત સમય નથી જ્યારે હું શાંતિથી બેસીને ટીવી જોઈ શકું. તેથી જ્યારે પણ તક મળે ત્યારે એની સામે ગોઠવાઈ જાઉં છું. આજકાલ ટીવી પર ક્રાઇમ પૅટ્રોલ નામની સિરિયલ મારી ફેવરિટ બની ગઈ છે. એની રિયલ લાઇફ-સ્ટોરીઝ દિલ ધડકાવનારી હોય છે. એ સિવાય ક્યારેક ચાન્સ મળે તો રાતના સમયે આવતી સોનીની એકાદ-બે સિરિયલો પણ જોઈ લઉં છું. હીરોમાં શાહિદ કપૂર અને રણબીર કપૂર મારા માનીતા છે. બન્નેની પર્સનાલિટી બહુ સરસ છે, પરંતુ અભિનયની દૃષ્ટિએ રણબીર કપૂર વધુ ચડિયાતો છે. એવી જ રીતે હિરોઇનોમાં મને કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા ગમે છે. કૅટરિના બ્યુટિફુલ છે, પરંતુ પ્રિયંકા એક સારી અભિનેત્રી છે. ફિલ્મોમાં ‘જબ વી મેટ’ મારી ફેવરિટ મૂવી છે. ટીવી પર એ આવી રહી છે એની ખબર પડે એટલે તરત જ સામે ગોઠવાઈ જાઉં. અત્યાર સુધીમાં મેં એ ફિલ્મ અસંખ્ય વાર જોઈ લીધી હશે.

મારી બેસ્ટ ફ્રેન્ડ

સ્કૂલમાં મારી સાથે ભણતી ધન્વી શાહ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આગળ-પાછળ જ જન્મ્યાં હોવાથી અને એક જ બિલ્ડિંગમાં રહેતાં હોવાથી અમે બન્ને જાણે સાથે જ મોટાં થયાં છીએ. તેથી સ્કૂલમાં આવવા-જવાનું પણ સાથે જ થાય. આમ તો અમારા બન્નેના ક્લાસિસ પણ એક જ છે, પરંતુ તેના અને મારા બૅચનો સમય અલગ હોવાથી આ એકમાત્ર સમય એવો હોય છે જ્યારે અમે સાથે હોતાં નથી. બાકી દિવસ આખો એકબીજાની કંપનીમાં જ જાય. સ્વભાવે પણ તે એટલી સરસ છે કે મને જ્યારે પણ કોઈ મદદની જરૂર હોય તે કાયમ તૈયાર જ હોય.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- ઓમકાર ગાંવકર