NewtGen Intro : ફિલ્મો જોવાનું બને ત્યાં સુધી ટાળું છું

15 June, 2012 07:23 AM IST  | 

NewtGen Intro : ફિલ્મો જોવાનું બને ત્યાં સુધી ટાળું છું

નામ : ઐશ્વર્યા મજીઠિયા

ઉંમર : ૧૪ વર્ષ

ધોરણ : નવમું

સ્કૂલ : ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલ

માધ્યમ : અંગ્રેજી

સરનામું : કાંદિવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા:બીજલ-પરેશ મજીઠિયા

ફેવરિટ વિષયો

મૅથ્સ, ઇંગ્લિશ, બાયોલૉજી અને ફિઝિક્સ મારા ફેવરિટ વિષયો છે. આ વિષયો મને રીતસર પોતાના તરફ આકર્ષે છે એથી આ વિષયો હું ભણવા માટે નહીં પરંતુ રિફ્રેશમેન્ટ તરીકે પણ વાંચી શકું છું. મારી સ્કૂલના શિક્ષકોની ખાસિયત એ છે કે તેઓ આ વિષયોની રજૂઆત વાર્તા તરીકે કરે છે. એથી એમાં રહેલી માહિતીઓનો ભાર સાવ હળવો થઈ જાય છે અને ગમ્મત કરતાં-કરતાં ક્યાં જ્ઞાન મળી જાય છે એનો ખ્યાલ જ નથી આવતો. આ સિવાય હું બોરીવલીમાં જે ક્લાસિસમાં જાઉં છું ત્યાંના શિક્ષકો પણ ખૂબ સારા છે. આ બધાને પરિણામે મૅથ્સ અને ઇંગ્લિશમાં હું લગભગ દર વર્ષે ક્લાસમાં ટૉપ કરું છું જ્યારે બાયોલૉજી અને ફિઝિક્સમાં ટૉપ થ્રીમાં રહું છું. મારી ઇચ્છા એસએસસી પછી કૉમર્સની સાથે સીએ અને એમબીએની ડબલ ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, પરંતુ હજી સુધી મેં આ દિશામાં કોઈ આખરી નર્ણિય નથી લીધો.

ભણવા સિવાય

ભણવા ઉપરાંત મને ડ્રૉઇંગમાં પણ ખૂબ રસ પડે છે. મેં એની એલિમેન્ટરીની પરીક્ષા તો પાસ કરી દીધી છે અને આ વર્ષે હું એની ઇન્ટરમિડિયેટની પરીક્ષા આપવાની છું. એ સિવાય હું સ્વિમિંગમાં પણ એકંદરે સારી છું. મેં એનો ઍડ્વાન્સ લેવલ સુધીનો ર્કોસ પૂરો કર્યો છે અને વિવિધ સ્ટ્રોક્સ પણ શીખી છું. હવે મને મારો સ્ટૅમિના અને સ્પીડ વધારવા માટે વધુ પ્રૅક્ટિસની જરૂર છે. એક વાર મારામાં ૫૦ મિનિટમાં છ કિલોમીટરનું અંતર કાપવા જેટલાં સ્પીડ અને સ્ટૅમિના આવી જશે પછી હું સ્વિમિંગની વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકીશ.

વેકેશનમાં શું કર્યું?

મારું આ વખતનું વેકેશન તો ક્યાં આવ્યું ને ક્યાં પૂરું થઈ ગયું એની તો જાણે ખબર જ નથી પડી, કારણ કે આ વેકેશનનો મારો મોટા ભાગનો સમય ક્લાસિસ અટેન્ડ કરવામાં જ નીકળી ગયો. સાચું કહું તો હવે પછીનાં બે વર્ષ અભ્યાસની દૃષ્ટિએ મારા માટે બહુ મહત્વના છે. આ બે વર્ષ ખૂબ મહેનત કરી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવી જાય એટલે ગંગા નાહ્યા. બલ્કે મારી સ્કૂલ તો આઇસીએસસી હોવાથી કૉલેજમાં જ અગિયાર-બારમામાં ભણાવવામાં આવે છે એ બધું તો હું નવમા-દસમામાં જ શીખી લઈશ એથી કૉલેજ-લાઇફનાં પહેલાં બે વર્ષ હું પેટ ભરીને મજા કરી શકીશ અને લાઇફને ફુલ ઑન માણી શકીશ, પરંતુ એ માટે આ બે વર્ષ મહેનત કરવી જરૂરી છે.

ફેવરિટ

મારી ઉંમરના અન્ય વિદ્યાર્થીઓની જેમ મને પણ ટીવી જોવાનો શોખ છે. જોકે મારું આખા અઠવાડિયાનું શેડ્યુલ એટલું ટાઇટ રહે છે કે હું દિવસમાં એક કલાકથી વધુ ટીવી નથી જોઈ શકતી. એવામાં તક મળે ત્યારે સોનીની ‘અદાલત’ અને સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલો જોવી મને વધુ ગમે છે. જોકે મને ફિલ્મો જોવાનો એવો કોઈ ખાસ શોખ નથી. ખૂબ ભણીને થાકી ગઈ હોઉં ત્યારે જ ક્યારેક ફિલ્મ જોવાનું મન થાય, અન્યથા એ ખૂબ સમય માગી લે એવું કામ હોવાથી હું બને ત્યાં સુધી ફિલ્મો જોવાનું ટાળું છું. પરિણામે મારા કોઈ ફેવરિટ સ્ટાર જેવું પણ ખાસ નથી. હિરોઇનમાં મને કરીના કપૂર થોડીઘણી ગમે છે, કારણ કે મારી દૃષ્ટિએ તે દેખાવથી માંડી ડ્રેસિંગ વગેરે દરેક બાબતમાં જસ્ટ પરફેક્ટ છે. છેલ્લે ફેવરિટ શિક્ષકની બાબતમાં મારી મમ્મી જ મારી સૌથી ફેવરિટ છે. સ્કૂલમાં કે ક્લાસિસમાં અનેક પ્રયત્નો પછી પણ કંઈ ન સમજાયું હોય તો હું એના ઉકેલ માટે મમ્મી પાસે જાઉં છું. તે મને મારા લેવલ પર આવી એ રીતે શીખવાડે કે કોઈ પણ વસ્તુ એક વખતમાં સમજાઈ જ જાય.

બેસ્ટ ફ્રેન્ડ

સ્કૂલ અને ક્લાસિસમાં સાથે ભણતી જુહી અને રચૈથા મારી બેસ્ટ ફ્રેન્ડ્સ છે. અમારા ત્રણનું નાનું છતાં સુંદર મજાનું ગ્રુપ છે. અમારી ખાસિયત એ છે કે અમારા ત્રણેના રસના વિષયો એકસરખા છે એથી અમે જે કંઈ કરીએ સાથે મળીને જ કરીએ. વળી આટલા વખતમાં અમારી વેવલેન્ગ્થ પણ એટલી સરસ મૅચ થઈ ગઈ છે કે હવે તો અમે એકબીજાનાં મન પણ વાંચી લઈએ છીએ.

 - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- તસવીર : નિમેષ દવે