NextGen Intro : મારે પણ સ્ટાઈલિશ બનવું છે : દૃષ્ટિ શાહ

06 July, 2012 06:38 AM IST  | 

NextGen Intro : મારે પણ સ્ટાઈલિશ બનવું છે : દૃષ્ટિ શાહ

નામ : દૃષ્ટિ શાહ

ઉંમર : ૧૩ વર્ષ

ધોરણ : સાતમું

સ્કૂલ : સ્વામી વિવેકાનંદ, કાંદિવલી

માધ્યમ : અંગ્રેજી

સરનામું : બોરીવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા : અલ્પા-અમિત શાહ

ફૅશન-ડિઝાઇનર બનવું છે

સ્કૂલમાં મૅથ્સ અને સાયન્સ મારા ફેવરિટ વિષયો છે. મને આ વિષયો હંમેશાં રસપ્રદ લાગ્યા છે. ગણિતના દાખલા મને દાખલા ન લાગતાં મેન્ટલ ગેમ્સ જેવા લાગે છે, જ્યારે વિજ્ઞાનમાં આવતી કેમિકલ્સ અને પર્યાવરણ સંબંધી વાતો એટલી ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે મન થાય જાણે વાંચ્યા જ કરું. અલબત્ત, મારો વિચાર તો દસમા પછી આટ્ર્‍સ લેવાનો છે. આ આમ તો મને ગમતા વિષયોથી તદ્દન સામા છેડાની વાત છે; પરંતુ એ માત્ર ટેમ્પરરી વ્યવસ્થા જેવું હશે, મારી મૂળ ઇચ્છા તો ફૅશન-ડિઝાઇનર બનવાની છે. મારાં માસીની બન્ને દીકરીઓ ફૅશન-ડિઝાઇનિંગનો ર્કોસ કરી રહી છે અને એ બન્નેનાં સ્ટાઇલ-સ્ટેટમેન્ટ એટલાં સરસ છે કે હવે તેઓ મારી સ્ટાઇલ-આઇકન બની ગઈ છે. મારી ઇચ્છા પણ તેમના જેવા સ્ટાઇલિશ બનવાની છે.

બેસ્ટ ફ્રેન્ડ

સ્કૂલમાં મારી સાથે ભણતી ઝીલ નાણાવટી અને મૈત્રી સંઘવી મારી સારી ફ્રેન્ડ્સ છે, પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડ તો મારા મામાની દીકરી પ્રિયલ છે. તેની સાથે હું જેટલી મસ્તી કરી શકું છું એટલી ઝીલ કે મૈત્રી સાથે પણ નથી કરી શકતી એટલે અમે બન્ને હંમેશાં એકબીજાના ઘરે રોકાવા જવાના બહાનાં જ શોધ્યા કરતા હોઈએ છીએ.

ભણવા સિવાય

સ્કૂલ ઉપરાંત હાલ હું ડ્રૉઇંગ એલિમેન્ટરીની પરીક્ષાની તૈયારી કરી રહી છું. એ સિવાય ભૂતકાળમાં મેં અભ્યાસ ઉપરાંત પણ કંઈક શીખવા મળે એ ઇરાદાથી સાઇબર ઑલિમ્પિયાડ, સાયન્સ ઑલિમ્પિયાડ, મરાઠી પબ્લિક એક્ઝામ, મેથ્સ કૉન્સ્ાપ્ટ, હિન્દી રાષ્ટ્રભાષા વગેરે અનેક પરીક્ષાઓ આપીને ઘણાં સર્ટિફિકેટ ભેગાં કયાર઼્ છે. અમે જૈન હોવાથી હું નિયમિત પાઠશાળામાં પણ જાઉં છું અને અમારા સમાજના ઉદયવલ્લભ મહારાજસાહેબ દ્વારા રાખવામાં આવતા અભિયાનમાં પણ ભાગ લેતી રહું છું. આ અભિયાનમાં એક વાર હું પહેલી આવી હતી અને એક વાર બીજી.

ફેવરિટ

મને ટીવી અને ફિલ્મોનો નામ પૂરતો જ શોખ છે એટલે ટીવીમાં હું એકમાત્ર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ જ નિયમિત જોઉં છું, જ્યારે ફિલ્મોમાં મને કરીના કપૂર અને સૈફ અલી ખાનની ફિલ્મો જોવી ગમે છે. સૈફની ફિલ્મો તો હું તેની ઍક્ટિંગને કારણે જોતી હોઉં છું, પરંતુ કરીનાની ફિલ્મો હું તેને જોવા માટે જ જાઉં છું. મને લાગે છે કે કરીના બધાથી ડિફરન્ટ અને હટકે છે. મારા ચોથા ધોરણના ક્લાસ-ટીચર મિસ નીતા મારાં ફેવરિટ હતાં. તેમની ખાસિયત એ હતી કે તેઓ મૅથ્સ અને સાયન્સ જેવા વિષયો પણ એટલી હળવાશથી છતાં પર્ફેક્ટ્લી સમજાવતાં કે ભણવાની મજા પડી જતી. જોકે મારી પર્મનન્ટ ફેવરિટ ટીચર તો મારી મમ્મી છે. તે એકથી સાતમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતી હોવાથી હજી સુધી મને ભણવા માટે બહાર જવાની જરૂર પડી નથી. તે પોતાના સ્ટુડન્ટ્સને ભણાવતી હોય ત્યારે હું તેની સાથે બેસીને જ બધું શીખી લઉં છું.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- તસવીર : નિમેશ દવે