ધંધા માટે કયો હીરો સાચો?

05 December, 2022 09:35 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

હીરાબજારમાં ફરી રહેલા મેસેજોથી વેપારીઓમાં આવી મૂંઝવણ : જોકે તેમનું કહેવું છે કે આવતો દસકો સાચા હીરાનો નહીં પણ લૅબગ્રોન ડાયમન્ડ્સનો રહેશે : હકીકત એ છે કે લૅબગ્રોન ડાયમન્ડની માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહી છે

અમિત શાહ, હીરાના વેપારી

દેશમાં હીરાબજારની ચમકને જાળવી રાખતાં બે મુખ્ય સેન્ટર મુંબઈ અને સુરતના હીરાબજારમાં કેટલાક મેસેજ ફરતા થયા છે કે લૅબગ્રોન ડાયમન્ડમાં રોકાણ કરવું કે પછી સાચા હીરામાં? આગળ શું? ત્યારે વર્ષોથી હીરાબજારમાં વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે આવતો દસકો લૅબગ્રોનનો રહેશે. એવું નથી કે સાચા હીરા નહીં વેચાય; પણ એ લેવાવાળા ગ્રાહકો બહુ જ ઓછા, ઓન્લી ક્રીમ ક્લાસ હશે. નવી પેઢી મોટા ભાગે લૅબગ્રોન ડાયમન્ડ પસંદ કરશે અને એમાં રોકાણ કરશે. જે સ્પીડથી લૅબગ્રોન ડાયમન્ડનો વિકાસ થઈ રહ્યો છે અને માર્કેટમાં ડિમાન્ડ નીકળી છે એ જોતાં એમ લાગી રહ્યું છે કે આવતાં પાંચ વર્ષમાં પરિસ્થિતિ એવી હશે કે જેટલા સાચા હીરા (કૅરૅટ વાઇઝ) વેચાય છે એટલા જ લૅબગ્રોન ડાયમન્ડ વેચાશે. હાયર ક્લાસ અને હાયર મિડલ ક્લાસમાં આજે લૅબગ્રોનના દાગીના છૂટથી પહેરાય છે અને એ જ કારણ છે કે એ હવે ભવિષ્યમાં એનો સિક્કો ચાલતો જ રહેવાનો છે.

લૅબગ્રોન ડાયમન્ડના ભવિષ્ય વિશે વાત કરતાં બીકેસી, સુરત અને દિલ્હીમાં વેપાર કરતા અમિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ હીરાબજારની ઘણીબધી કંપનીઓએ લૅબગ્રોન વેચવાનું ચાલુ કરી જ દીધું છે. એનાં બે મુખ્ય કારણ એ છે કે એ સાચા હીરા જ છે, પણ માત્ર લૅબમાં બનાવાયેલા છે એટલે એની ચમક કે વજન સહિત એ ઓરિજિનલ ડાયમન્ડ જેવા જ છે. દાગીનામાં કોઈ પારખી ન શકે કે એ ઓરિજિલ છે કે લૅબગ્રોન ડાયમન્ડના છે. એથી એનું ચલણ વધી રહ્યું છે. બીજું, એની કિંમત ઓરિજિનલ કરતા માંડ પચીસથી ત્રીસ ટકા જેટલી જ છે. એથી ઓછા રોકાણે બહોળો વેપાર થઈ રહ્યો છે. સાથે જ એ ફાસ્ટ મૂવિંગ આઇટમ હોવાથી એમાં ભલે માર્જિન ઓછું હોય, પણ રોલિંગ વધી જાય છે અને એ રીતે એ નફાનો ધંધો છે. વળી હીરા શોખની અને સ્ટેટસની વસ્તુ છે. સોનાની જેમ એ ઇન્વેસ્ટમેન્ટ માટે નથી લેવાતા. લગ્નમાં દીકરીને ડાયમન્ડનો એક કરોડનો સેટ આપવાનું જે બિઝનેસમૅન વિચારતો હોય એ હવે એવા જ હીરાનો સેટ માત્ર ૨૦ લાખથી ૨૫ લાખમાં લઈ લે છે. એનાથી તેનું નામ પણ જળવાઈ રહે છે અને સાથે તેને આર્થિક રીતે પણ ખેંચાવું નથી પડતું. એવું નથી કે જેમને પૈસા ઓછા ખર્ચવા છે તેઓ જ લૅબગ્રોન ડાયમન્ડના દાગીના લે છે. જેમની પાસે લખલૂટ પૈસા છે એ લોકો પણ લૅબગ્રોન ડાયમન્ડના દાગીના લઈને તેમના પૈસા બચાવે છે, કારણ કે ઓરિજિનલ અને લૅબગ્રોનનો ફરક નરી આંખે પારખી શકાતો નથી. પહેરનારને પણ ખબર ન પડે અને મહેમાનોને પણ જાણ ન થાય. વર્ષોથી હીરાબજારમાં વેપાર કરનાર વેપારી પણ નરી આંખે પાકા પાયે એમ ન કહી શકે કે કયા હીરા ઓરિજિનલ છે અને કયા લૅબગ્રોન. અમારે પણ એ હીરા ચેક કરાવવા લૅબમાં મોકલવા પડે છે. જો હીરાબજારના વેપારીઓની આ સ્થિતિ છે તો સામાન્ય લોકો તો એ ન જ પારખી શકે એમાં નવાઈ પામવા જેવું કશું નથી. હાલ અમે લૅબગ્રોનના દાગીના બનાવીએ છીએ અને વેચાણ પણ કરીએ છીએ. અત્યારનો જો રેશિયો કહીએ તો દર મહિને વેચાણમાં ૧૦ ટકાનો જમ્પ આવી રહ્યો છે. આવતાં પાંચ વર્ષમાં લૅબગ્રોન ડાયમન્ડની માર્કેટ ઓરિજિનલ હીરાની સાઇઝ જેટલી અથવા એના કરતાં પણ વધુ (કૅરૅટ વાઇઝ) થવાની શક્યતા છે. વૉલ્યુમ (રૂપિયા વાઇઝ) તો એ શક્ય નથી, કારણ કે લૅબગ્રોન ૨૫થી ૩૦ ટકાએ મળે છે. બીજું, આમાં બાયબૅક ફૅક્ટર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમે અમારા ગ્રાહકને ડાયમન્ડની કિંમતની ૯૫ ટકા રકમ બાયબૅકમાં પાછી આપીએ છીએ. ગ્રાહક એ જ રકમની બીજી જ્વેલરી લઈ શકે અથવા તે જે ડિઝાઇન પાસ કરે એવી અમે તેને જ્વેલરી બનાવી આપીએ. પહેલી ખરીદીની લેબર ટોટલ માફ અને સોનાની જે કિંમત થતી હોય એ. આમ તેના માટે પણ એ ફાયદાનો સોદો બની રહે છે અને અમારે પણ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ વેપાર થાય છે, રોલિંગ ફાસ્ટ થાય છે.’  

બીકેસીમાં જ હીરાનો વેપાર કરતા નવીન અદાણીએ કહ્યું હતું કે ‘આ લૅબગ્રોન ડાયમન્ડ છેલ્લાં પાંચ વર્ષથી ચલણમાં આવ્યા છે. એને સિન્થેટિક પણ કહેવાય છે. પાંચ વર્ષ પહેલાં એને માર્કેટમાં એન્ટ્રી નહોતી, પણ હવે છે. એટલું જ નહીં, એનું વેચાણ પણ થાય છે. અત્યારે હજી બહુ લોકોને જાણ નથી, પણ ધીમે-ધીમે એનું ચલણ વધી રહ્યું છે એ જોતાં આવતો દસકો લૅબગ્રોનનો હોઈ શકે. અમારી પાસે ગ્રાહકો આવે તો અમે તેમને કહીને આપીએ છીએ અને તેમને પણ એ બાબતની જાણ હોય છે. ઑર્ડર હોય તો જ લૅબગ્રોનમાં દાગીના બનાવડાવીએ છીએ. ઓછા બજેટમાં કામ પતી જાય છે.’ 

mumbai mumbai news bandra