એક કેસમાં પકડાયેલા ચોરની બાતમીથી બીજો કેસ ઉકેલાયો

21 July, 2021 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીના સિનિયર સિટિઝનનો મોબાઇલ પોલીસે પાછો આપ્યો

વિનોદ ઠક્કરને તેમનો મોબાઇલ પાછો આપતી પોલીસ.

કાંદિવલી (વેસ્ટ)ના પટેલનગર પાસે રહેતા ૭૭ વર્ષના બાબુભાઈ ગોહિલનો મોબાઇલ બે ચોર ખોટો ઝઘડો કરી તેમનું ધ્યાન બીજે દોરીને ૬ જુલાઈએ તફડાવી ગયા હતા. એ કેસની તપાસ કરીને કાંદિવલી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. એટલું જ નહીં, તેમની પાસેથી ૧૧ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. આ સમાચાર ‘મિડ-ડે’માં ૧૬ જુલાઈએ છપાયા બાદ પટેલનગરમાં રહેતા અન્ય સિનિયર સિટિઝન વિનોદ ઠક્કરને તેમના મિત્ર અલ્કેશ વ્યાસે એ બદલ જાણ કરી હતી, કેમ કે વિનોદ ઠક્કરને પણ એ જ બે ગઠિયાઓ એ જ મોડસ ઑપરન્ડી વાપરી ખોટો ઝઘડો કરી તેમને વાતોમાં પરોવી તેમનો મોબાઇલ તફ઼ડાવી ગયા હતા. એ વિશે વિનોદ ઠક્કરે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. 
વિનોદ ઠક્કરે ત્યાર બાદ કાંદિવલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમનો મોબાઇલ પણ એ જ બે ગઠિયાઓ પડાવી ગયા હોવાનું જણાવતાં પોલીસે તેમની ફરિયાદ તપાસી હતી અને ત્યાર બાદ ખાતરી કરી પુરાવા તપાસી તેમનો મોબાઇલ તેમને પાછો આપ્યો હતો. વિનોદ ઠક્કરે મોબાઇલ પાછો મળતો પોલીસનો અને ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો.  

Mumbai mumbai news kandivli