22 June, 2024 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : અનુરાગ અહિરે
પદ્મશ્રી નાના ચુડાસમાની યાદમાં તૈયાર કરવામાં આવેલા મરીન ડ્રાઇવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ગઈ કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અભિનેતા જૅકી શ્રોફ, સુધરાઈના કમિશનર ભૂષણ ગગરાણી, બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ મોહિત શાંતિલાલ શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
૬૯૫૯ કરોડ ૨૯ લાખ ૨૧ હજાર ૪૪૬ રૂપિયા
વર્ષ ૨૦૨૩-’૨૪ના વર્ષ માટેના ડિવિડન્ડનો ચેક ગઈ કાલે દિલ્હીમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આપતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચૅરપર્સન દિનેશ કુમાર ખારા.
મેટ્રોમાં યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થા હીલ-સ્ટેશન અને મુંબઈના યોગશિક્ષકોએ મુંબઈ મેટ્રો સાથે મળીને વર્સોવાથી ઘાટકોપર અને ઘાટકોપરથી અંધેરી વચ્ચે મેટ્રોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ગઈ કાલે યોગાભ્યાસ કરાવ્યો હતો. આ અભ્યાસ દ્વારા પ્રવાસીઓને ‘ટ્રાવેલ ટાઇમ, યોગા ટાઇમ’નો સંદેશ આપી તેમને પોતાના ફ્રી-ટ્રાવેલ સમયમાં યોગ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હીલ-સ્ટેશન દ્વારા ૨૦૧૮થી આ ટ્રાવેલ-યોગા કૅમ્પેનની શરૂઆત કરવામાં આવી છે.
પતિને લાંબું આયુષ્ય મળે
વટસાવિત્રી પ્રસંગે ગઈ કાલે દહિસર-ઈસ્ટમાં મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડના વૃક્ષની પૂજા કરીને એની ફરતે સુતરના તાંતણાથી પ્રદિક્ષણા કરી હતી. નિમેષ દવે
ઐરોલીમાં હિન્દી દુકાનદારની MNSના સમર્થકોએ મારઝૂડ કરી
સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં દેખાય છે કે ઐરોલીમાં ગુરુવારે સાંજે એક હિન્દીભાષી દુકાનદારને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો મરાઠીમાં વાત કરવા કહે છે. જોકે તે હિન્દીમાં વાત કરતો હોવાથી તેઓ તેને ગાળો આપે છે, તેની મારઝૂડ કરે છે, લાફા મારે છે અને તેની દુકાનમાં મરાઠી ગીતો જ વાગવાં જોઈએ એવી દમદાટી પણ આપે છે. જોકે આ બાબતે કોઈ ઍક્શન લેવાઈ નથી.