✕

News In Shorts: આ ભાઈને પણ BMWવાળી કરવી લાગે છે. પોલીસ-કાર્યવાહી ક્યારે થશે?

23 September, 2026 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના વર્તકનગરમાં બેફામ બનેલા યુવકોએ અડધી રાત્રે આડેધડ કાર ચલાવીને બબાલ કરી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

થાણેના વર્તકનગરમાં બેફામ બનેલા યુવકોએ અડધી રાત્રે આડેધડ કાર ચલાવીને બબાલ કરી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં પૂરપાટ ઝડપે જતી એક કારના બોનેટ પર એક જણ સૂતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારના સ્ટન્ટ કરનારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે એવી માગણી સોશ્યલ મીડિયા પર કરવામાં આવી રહી છે. કોસ્ટલ રોડ પર BMW કારના થયેલા અકસ્માતની ઘટના તાજી છે ત્યારે બેદરકારીભર્યા ડ્રાઇવિંગનો મુદ્દો ફરી ચગ્યો છે. આ પ્રકારે ડ્રાઇવિંગ કરીને પોતાનો જ નહીં, અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવતો હોવાને કારણે પોલીસે આ રીતે સ્ટન્ટબાજી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી નેટિઝન્સ દ્વારા કરવામાં આવી રહી છે.

બુલફાઇટ જોવા જુઓ કેટલા લોકો ભેગા થયા છે

ચીનના ગ્વેજો પ્રાંતની કૉન્ગજિઆન્ગ કાઉન્ટીમાં આવેલા ઝાઇબિઆનમાં બુલફાઇટ જોવા માટે ભેગી થયેલી જનમેદની.

ધીરગુરુદેવની ‌નિશ્રામાં દીક્ષાર્થી ‌પ્રિયંકાબહેનનું સન્માન થયું

પૂ. શ્રી ધીરગુરુદેવની ‌નિશ્રામાં ખંભાત સંપ્રદાયના આચાર્ય પૂ. ચેતનમુ‌નિ મ.સા.નાં આજ્ઞાનુવ‌ર્તી પૂ. સાધનાબાઈ મ.સા.ની ‌નિશ્રામાં દીક્ષા અં‌ગીકાર કરનાર ખંભાત‌નિવાસી વૈરાગી કુ. ‌પ્રિયંકા ‌દિલીપ શાહ (‍BA)નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મલાડ દશા શ્રીમાળીનગર સંઘના મહિલા મંડળે ગૌમાતા દત્તક યોજનામાં અનુમોદના કરી હતી.  ચેન્નઈ અને ઇન્દોર સંઘે ચાતુર્માસની ‌વિનંતી કરી હતી. દીક્ષાર્થી ‌પ્રિયંકાબહેનની ૨૦૨૭ની ૨૫ ફેબ્રુઆરીએ સુરતમાં જ્યોત્સ્ના નવીનચંદ્ર શાહ પ્રે‌રિત દીક્ષા ઊજવાશે. પૂ. સુનંદાજી મહાસતીજીએ અઠ્ઠાઈ તપ પૂરું કર્યું છે.

ભારતીય હાઈ કમિશનની નાગરિકોને ચેતવણી ઃ મલેશિયામાં નોકરી શોધવા વીઝા-ફ્રી એન્ટ્રીની સુવિધાનો ઉપયોગ નહીં કરતા

મલેશિયાના ક્વાલા લમ્પુર સ્થિત ભારતીય હાઈ કમિશને મલેશિયાની ૩૦ દિવસની વીઝા-ફ્રી એન્ટ્રીનો ઉપયોગ ત્યાં જઈને નોકરી શોધવા નહીં કરવાની ભારતીયોને અપીલ કરી છે અને આવી નોકરીની નકલી ઑફરો વિશે નાગરિકોને ચેતવણી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રીતે મલેશિયા આવનારા ભારતીયોની સંખ્યામાં એકાએક વૃદ્ધિ થઈ છે. રોજગારનું વચન આપીને છેતરપિંડી કરનારા એજન્ટો ઘણા ભારતીયોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જેનાથી તેઓ વીઝાના નિયમોનું ઉલ્લંઘન, ગેરકાયદેસર દરજ્જો, શોષણ, અટકાયત અને કાનૂની કાર્યવાહી જેવાં જોખમોમાં મુકાય છે. મુસાફરોને રોજગારના હેતુ માટે યોગ્ય વર્ક-પરમિટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ૩૦ દિવસની વીઝા-ફ્રી એન્ટ્રી ફક્ત ટૂરિઝમ અને સામાજિક યાત્રાઓ માટે છે અને એના હેઠળ નોકરી શોધવા એનો ઉપયોગ કરવાની જરૂર નથી. ૩૦ દિવસની ફ્રી એન્ટ્રી સુવિધાનો ઉપયોગ કરનારા ભારતીયોએ ૩૦ દિવસ પહેલાં રિટર્ન ટિકિટ અને હોટેલ બુકિંગ કરાવી લેવું જોઈએ.

સાઉદી અરેબિયાને સાથ આપવા બદલ હુતી બળવાખોરોએ ટર્કી, પાકિસ્તાન અને ઇજિપ્તને આપી ધમકી

યમનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન-સમર્થિત હુતી બળવાખોરોએ એક મોટી ચેતવણી આપી છે. હુતી સંગઠનના રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ અલ-બુખૈતીએ અસોસિએટેડ પ્રેસ (AP)ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ઇજિપ્ત, ટર્કી અને પાકિસ્તાન સાઉદી અરેબિયાને સીધો લશ્કરી ટેકો આપશે તો તેમને ભવિષ્યના હુમલાઓનો સામનો કરવો પડશે.
હાલમાં સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વધી ગયા છે. આથી સાઉદી અરેબિયાએ પોતાના ઍર ડિફેન્સને મજબૂત કરવા માટે આ ત્રણેય દેશો પાસે લશ્કરી મદદની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઑગસ્ટમાં ટર્કી અને પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા હતા. જોકે હજી સુધી આ દેશોએ યમનમાં પોતાની સેના મોકલવાનો કોઈ નિર્ણય લીધો નથી. હુતી દળોએ તાજેતરમાં લાલ સમુદ્રના કિનારે અને મોખા બંદર પર કબજો જમાવી લીધો છે. પાકિસ્તાન અને ટર્કીના વિદેશપ્રધાનોએ અગાઉ હુતી હુમલાઓની આકરી નિંદા કરી હતી અને સાઉદી અરેબિયાની સુરક્ષા માટે સમર્થન જાહેર કર્યું હતું. બીજી તરફ ઇજિપ્તે આ મામલાનો કૂટનીતિક ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. જો આ દેશો લશ્કરી મદદ મોકલશે તો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભડકવાની શક્યતા છે. 

mumbai news mumbai thane thane crime viral videos