13 August, 2025 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
થાણેના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના અધિકારીઓ પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે રવિવારે સવારે ભિવંડીના નારપોલીમાં એક કેમિકલ કંપનીની બાજુમાં શંકાસ્પદ રીતે પાર્ક થયેલાં બે કેમિકલ ટૅન્કરને જોઈને તેમણે તપાસ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે એ બન્ને કેમિકલ ટૅન્કરમાં જોખમી કેમિકલ (કૅલ્શિયમ હાઇપોક્લોરાઇડ) વેસ્ટ હતું. ૨૦૦૦ કિલો જેટલું કેમિકલ ઑલરેડી તેમણે નજીકની ગટરમાં ઠાલવી દીધું હતું. એથી એ બન્ને ટૅન્કર પોલીસે જપ્ત કર્યાં હતાં. આવા જોખમી ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટને ગેરકાયદે ઠાલવી દેવાથી પાણીમાં પ્રદૂષણ ફેલાય છે અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે.
વાશી સ્ટેશનથી વડાલા-પનવેલ લોકલ ટ્રેનની છત પર ચડેલા યુવકને તેની મસ્તી ભારે પડી ગઈ હતી. આ ઘટનાના સાક્ષી રહેલા મુસાફરોએ પોલીસને જણાવ્યું હતું કે ટ્રેન વાશી સ્ટેશન પહોંચી ત્યારે આ મુસાફર ટ્રેનની છત પર ચડી ગયો હતો. ટ્રેન વાશી ક્રીક બ્રિજ પર પહોંચી ત્યારે જાણીજોઈને તે ઓવરહેડ વાયરને અડ્યો હતો અને અડતાંની સાથે જ મોટો ધડાકો થયો હતો. આ ઘટનાની જાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસને થતાં પોલીસે આ માણસને નીચે ઉતારીને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. ૩૦ વર્ષના અંકુર પાંડે નામના આ યુવકનું ૭૦થી ૮૦ ટકા શરીર બળી ગયું હતું. ત્યાર બાદ તેને સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
છત્રપતિ સંભાજીનગરમાં રહેતો ૨૧ વર્ષનો તેજસ ધનાવડે થાણેના ઓવળામાં રહેતા તેના કોઈ સંબંધીના ઘરે મળવા આવ્યો હતો. તે સોમવારે સાંજે ઓવળાના પાખંડા તળાવમાં નાહવા પડ્યો હતો. ઊંડાઈનો ખ્યાલ ન આવતાં તે ડૂબી ગયો હતો. આ બાબતની જાણ રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને કરવામાં આવતાં તેઓ અને ફાયર-બ્રિગેડ બન્નેની ટીમ સ્પૉટ પર પહોંચી ગઈ હતી. તેને બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ દાખલ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યો હતો. કાસારવડવલી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
નાશિક જિલ્લામાં ઘોટી સ્ટેશન પાસે ગુરુવારે ૮ ઑગસ્ટે સાંજે ૩૮ વર્ષના દિનેશ દેવીદાસ સાવંત અને ૩૩ વર્ષની તેની પત્ની ભાગ્યશ્રીએ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઘોટી સ્ટેશન અને નજીકમાં આવેલા મંદિર વચ્ચેના ગેટ પાસે તે બન્નેએ ટ્રેન સામે ઝંપલાવી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેનાં લગ્ન ૨૦૧૩માં થયાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ હેઠળ વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ (VGF) યોજના હેઠળ મુંબઈ-સોલાપુર વચ્ચે હવાઈ-મુસાફરો પ્રતિ સીટ ૩૨૪૦ રૂપિયામાં મુસાફરી કરી શકશે. મંગળવારે પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગણેશોત્સવ પહેલાં જ સોલાપુર-પુણે- મુંબઈ વચ્ચે હવાઈ-ફ્લાઇટ શરૂ થશે એવી ખાતરી પાલકપ્રધાન જયકુમાર ગોરેએ આપી હતી. કેન્દ્ર સરકારની રીજનલ કનેક્ટિવિટી સ્કીમ-ઉડાણ હેઠળ સામાન્ય નાગરિકોને પોસાય એવા ભાવમાં હવાઈ-મુસાફરીની સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કીમ અંતર્ગત સોલાપુર-મુંબઈનો પ્રવાસ ગણેશોત્સવ પહેલાં શરૂ થવાને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે.
શ્રાવણ વદ ચોથને બોળ ચોથ અથવા તો બહુલા ચોથ કહેવાય છે. ગઈ કાલે બોળ ચોથના દિવસે સ્ત્રીઓ વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક કે ઘઉંનો ઉપયોગ નથી થતો. હવે આ પ્રથા ભૂંસાતી ચાલી છે, પરંતુ ગુજરાતનાં ગામોમાં આ પ્રથા જીવંત રહી છે. ગઈ કાલે રાજકોટ અને સુરતમાં મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કર્યું હતું. પૂજામાં શિંગડાં પર તેલ ચોપડીને અને મસ્તક પર તિલક કરીને ગાયને બાજરી ખવડાવવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે એકટાણું કરે છે અને ૩૩ કરોડ દેવતાનો જેમાં વાસ છે એવી ગાયમાતાને પોતાનાં સંતાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે.
ટૅરિફની સમયમર્યાદા વધુ ૯૦ દિવસ લંબાવી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પરની ટૅરિફની સમયમર્યાદા વધુ ૯૦ દિવસ લંબાવતા એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ હવે ૧૦ નવેમ્બર સુધી ટૅરિફ વધશે નહીં. આ પગલું હાઈ ટૅરિફ લાગુ થવાના થોડા કલાકો પહેલાં જ લેવામાં આવ્યું હતું.
આ પગલાથી ચીની માલ પર અમેરિકામાં ટૅરિફ ૧૪૫ ટકા અને અમેરિકન માલ પર ચીની ટૅરિફ ૧૨૫ ટકા સુધી વધવાથી અટકી જાય છે, જે વર્તમાન દરો અનુક્રમે ૩૦ ટકા અને ૧૦ ટકા જ રહેશે.
આમ અમેરિકા અને ચીને ટૅરિફ-વૉરને વધુ ૯૦ દિવસ માટે લંબાવી દીધી છે. આના કારણે અમેરિકાના રીટેલર્સ વર્ષના અંતમાં રજાઓની સીઝન પહેલાં તેમની ઇન્વેન્ટરી વધારવાની તૈયારી કરી રહ્યા છે.