News In Shorts: મરાઠા અનામતના મુદ્દે સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ

25 August, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ જરાંગે ૨૯ ઑગસ્ટથી આંદોલન કરવા મક્કમ:

મનોજ જરાંગે

મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે મરાઠા સમુદાયને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) કૅટેગરી હેઠળ કુણબી પ્રમાણપત્ર અને અનામત આપવાની પોતાની માગણી પર અડગ રહ્યા છે. તેમણે જાલના જિલ્લાના અંતરવાલી-સરાટી ખાતે ૨૯ ઑગસ્ટથી ફરી એક વાર આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્ર સરકારને તેમની માગણીઓ પૂરી કરવા માટે ૨૮ ઑગસ્ટ સુધીનું આખરી અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન પાછું ખેંચવા અને શાંતિ જાળવવાની વિનંતી કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો શંભુરાજ દેસાઈ, રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને ઉદય સામંતના બનેલા એક પ્રતિનિધિમંડળે મનોજ જરાંગેની મુલાકાત લીધી હતી. પ્રધાનોએ સરકાર તરફથી સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ જરાંગેએ તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

અહિલ્યાનગરમાં મેળાની રાઇડમાં લોખંડનો રૉડ ખૂલી જતાં યુવતી ફંગોળાઈ

અહિલ્યાનગર જિલ્લાના જામખેડ ખાતે નાગેશ્વર યાત્રા નિમિત્તે યોજાયેલા મેળામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતી ચાલુ રાઇડમાંથી નીચે પટકાતાં ગંભીર રીતે જખમી થઈ હતી. ચાલુ રાઇડ દરમ્યાન સુરક્ષા માટેનો લોખંડનો રૉડ અચાનક ખૂલી જતાં યુવતી જોરદાર ઝડપે ફંગોળાઈ ગઈ હતી જેનાથી સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. નીચે પટકાતાં ઈજાગ્રસ્ત યુવતીને તરત જ નજીકની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓએ મેળાઓમાં ચાલતી રાઇડ્સની સુરક્ષા તપાસ અને સંચાલકો સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

૨૦૦૦ કિલો ફળ, શાકભાજી અને રોટલીથી ૐ આકારની ૫૫૦ ચોરસફુટની વિશાળ રંગોળી બનાવી:

વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા થયો નવતર પ્રયોગ : કરજણ મિયાગામની પાંજરાપોળની ગાયોને ખવડાવી ખાદ્ય સામગ્રી

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડશને ગાયો અને નંદીઓની સેવા માટે નવતર પ્રયોગ કર્યો હતો. ગઈ કાલે ૨૦૦૦ કિલો વિવિધ ફળો, શાકભાજી અને રોટલીઓ જેવી ખાદ્ય સામગ્રીથી ઓમ આકારની વિશાળ રંગોળી બનાવી હતી. રંગોળીમાં મુકાયેલી ખાદ્ય સામગ્રીને કરજણ મિયાગામની પાંજરાપોળમાં ગાયો અને નંદીઓને ખવડાવવામાં આવી હતી. 
શ્રવણ ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે કહ્યું હતું કે ‘પાંજરાપોળમાં રહેતી ગાયો અને નંદીઓ માટે ભોજન કરાવવાનું હતું. ૨૦૦૦ કિલો ખાદ્ય સામગ્રીની મદદથી બાવીસ ફુટ લાંબી અને પચીસ ફુટ પહોળી ૫૫૦ ચોરસફુટ જગ્યામાં ખાદ્ય સામગ્રીઓથી વિશાળ રંગોળી બનાવી હતી. આ પહેલી વાર બન્યું છે જેમાં ખાદ્ય પર્દાથોની મદદથી ૐ શબ્દ વંચાય એવી રંગોળી બનાવી હોય. આ વિશાળ રંગોળી તૈયાર કરવામાં પચીસથી વધુ લોકો જોડાયા હતા.’

mumbai news mumbai manoj jarange patil maharashtra government maharashtra news maharashtra maratha reservation