News in Shorts: પનવેલમાં કારે ત્રણ વાહનોની ટક્કર બાદ રાહદારીને અડફેટે લીધો, જીવ ગુમાવ્યો

31 January, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલ રેલવે-સ્ટેશન નજીક એક અજીબ અકસ્માત થયો હતો

અકસ્માતગ્રસ્ત રિક્ષા

પનવેલ રેલવે-સ્ટેશન નજીક એક અજીબ અકસ્માત થયો હતો. કાર-ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતાં રિક્ષાને અડફેટે લીધી હતી અને આગળ જતી બીજી એક કારને ટક્કર મારી હતી. એટલે સુધી બ્રેક ન લાગતાં રસ્તે જઈ રહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો, જેને કારણે રાહદારીએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં અથડાયેલાં વાહનોને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહેવાસીઓ ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા હતા. અકસ્માત બાદ આ વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. 

ફૉરેનર પાસેથી ૪૦૦ મીટરનું ૧૮,૦૦૦ રૂપિયા ભાડું લેનાર કૅબ-ડ્રાઇવર પકડાયો

ફૉરેનરને ઍરપોર્ટથી ૪૦૦ મીટર દૂર આવેલી હોટેલ સુધી પહોંચાડવા માટે ૧૮,૦૦૦ રૂપિયા ચાર્જ કરનારા કૅબ-ડ્રાઇવરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અમેરિકાની મહિલાએ મુંબઈમાં તેની આ મોંઘી રાઇડ વિશે સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ શૅર કર્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી જાતે જ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને ૩ કલાકમાં કૅબ-ડ્રાઇવરને પકડી લીધો હતો. જોકે જેની સાથે છેતરપિંડી થઈ તે મહિલાનો સંપર્ક થઈ શક્યો નહોતો એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ડ્રાઇવર સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેનું ડ્રાઇવિંગ-લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

નાગપાડામાં પૈસાને લઈને બે ગ્રુપ વચ્ચે જોરદાર મારામારી

દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે આર્થિક અદાવતને લઈને બે સ્થાનિક જૂથો વચ્ચે જોરદાર મારામારી  થઈ હતી, જેમાં પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે એકની હાલત ગંભીર છે. ૧૩ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગાંધીજીને નરેન્દ્ર મોદીની અંજલિ

ગઈ કાલે ગાંધીજીની પુણ્યતિથિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાજઘાટ પર જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

mumbai mumbai news panvel road accident south mumbai narendra modi new delhi mahatma gandhi