ન્યૂઝ શોર્ટમાં : માલગાડીના ડબ્બા પાલઘર સ્ટેશન પાસે ખડી પડ્યા ગુજરાતથી આવતી ટ્રેનો અટકી

29 May, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતથી આવી રહેલી ટ્રેનો અટકી પડી હતી

માલગાડીના પાંચ ડબ્બા ખડી પડ્યા

વેસ્ટર્ન રેલવેમાં પાલઘર સ્ટેશન પાસે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે પનવેલ જતી માલગાડીના પાંચ ડબ્બા ખડી પડતાં ગુજરાત તરફથી આવી રહેલી ટ્રેનો અટકી ગઈ હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા યુદ્ધના ધોરણે એ ડબ્બાને ફરી પાટા પર ચડાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ ડબ્બાઓમાં સ્ટીલની હેવી કૉઇલ હોવાથી એને ચડાવવામાં સમય લાગી શકે એમ છે એમ વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું. આ ઘટનાને કારણે ગુજરાતથી આવી રહેલી ટ્રેનો અટકી પડી હતી. 

ધારાવીમાં ગાર્મેન્ટ‍્સનાં કારખાનાં ધરાવતા કમ્પાઉન્ડમાં લાગી આગ

ડોમ્બિવલી અને રાજકોટની આગની ઘટનાઓ તાજી જ છે ત્યાં ગઈ કાલે પરોઢિયે ચાર વાગ્યે ધારાવીના નાઇન્ટી ફીટ રોડ પર આવેલા અશોક મિલ કમ્પાઉન્ડમાં ચાર માળની ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં કુલ છ જણ દાઝી ગયા છે. આ ઇમારતમાં ગાર્મેન્ટ્સનાં કારખાનાં હતાં જ્યાં મોટા પ્રમાણમાં ફ્રૉક અને અન્ય કપડાં સીવવામાં આવતાં હતાં. આ આગમાં કપડાં, સીવવાનાં મશીન, લાકડાનું ફર્નિચર, ઇલે​ક્ટ્રિક વાયરિંગ વગેરે મળીને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

અર્નાળામાં બોટ પલટી જવાથી મજૂરનું મૃત્યુ : ૧૧ જણને બચાવી લેવામાં આવ્યા

વિરારમાં આવેલા અર્નાળા સમુદ્રમાં બાંધકામ-સામગ્રી અને મજૂરોને લઈ જતી એક બોટ ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૧ મજૂરોનો બચાવ થયો હતો, જ્યારે એક મજૂર ડૂબી ગયો હતો. હેલિકૉપ્ટરની મદદથી બે દિવસની શોધખોળ બાદ ગઈ કાલે વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વિરાર-વેસ્ટમાં અર્ના‍ળા કિલ્લો આવેલો છે. આ કિલ્લાનો વિસ્તાર દરિયાના પાણીથી ઘેરાયેલો હોવાથી ત્યાં પહોંચવા અને સામગ્રી લાવવા-જવા માટે બોટનો ઉપયોગ કરવો પડે છે. રવિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ બાંધકામ-સામગ્રી અને ૧૨ મજૂરોને લઈને બોટ અર્નાળા કિલ્લા તરફ જવા નીકળી હતી. અચાનક બોટ પલટી જતાં અકસ્માત થયો હતો.

western railway palghar mumbai trains virar dharavi fire incident